આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના, ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આચાર્ય યશોવર્મ સુરીશ્વરજીના જીવનચરિત્ર પર આધારિત પુસ્તક ‘શ્રદ્ધેય ગુરૂદેવશ્રી’નું વિમોચન કરતા મુખ્યમંત્રી અને મહાનુભાવો
સુરતના વેસુમાં આચાર્ય વિજય યશોવર્મસૂરીશ્વરજી


સુરતના વેસુમાં આચાર્ય વિજય યશોવર્મસૂરીશ્વરજી


સુરત, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાનનો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી નૂતન ગચ્છાધિપતિના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી.

સમારોહ દરમિયાન મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ નૂતન ગચ્છાધિપતિને વિજય તિલક કરી શુભેચ્છાઓ પાઠવી હતી. પૂર્વ ગચ્છાધિપતિ અભયદેવસૂરીશ્વર મહારાજે વિધિવત મંત્રોચ્ચાર સાથે પદપ્રદાન વિધિ પૂર્ણ કરી હતી.

“સંયમિત જીવનમાં જ સાચું સુખ” — મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જાહેર જીવનમાં અનેક પ્રસંગોમાં હાજરી આપવાની તક મળે છે, પરંતુ આ પ્રકારના ધાર્મિક પ્રસંગો આત્મસુખનો અનોખો અનુભવ કરાવે છે. તેમણે આચાર્ય યશોવર્મસૂરીશ્વરજીના 63 વર્ષના દીક્ષાજીવનને પ્રેરણાદાયી ગણાવી તેમની સમાજસેવા અને સંસ્કાર નિર્માણમાં આપેલી ભૂમિકા વખાણી હતી.

તેમણે ઉમેર્યું કે આચાર્ય બાળકો, યુવાઓ અને પરિવારો માટે અનેક શિબિરો યોજી સમાજ સુધારણામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. “અમે અહીં કંઈ લેવા નહીં પરંતુ જીવનનું અમૂલ્ય ભાથું લેવા આવ્યા છીએ,” એમ કહી તેમણે સંયમિત જીવનને કાયમી સુખનું સરનામું ગણાવ્યું અને સૌને ધર્મ સાથે જોડાયેલા રહેવા આહ્વાન કર્યું.

હર્ષ સંઘવીનો સંદેશ: સમાજમાં સકારાત્મક પરિવર્તન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરતની ધરતી પર જૈનાચાર્યોના માર્ગદર્શનથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવ્યા છે. આચાર્ય યશોવર્મસૂરીશ્વરજી દ્વારા યુવાઓ અને બાળકોને સંસ્કાર અને જ્ઞાન સાથે જોડવાના પ્રયત્નોની તેમણે પ્રશંસા કરી હતી.

‘શ્રદ્ધેય ગુરૂદેવશ્રી’ પુસ્તકનું વિમોચન

આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ, આચાર્ય યશોવર્મસૂરીશ્વરજીના જીવનચરિત્ર પર આધારિત ‘શ્રદ્ધેય ગુરૂદેવશ્રી’ પુસ્તકનું વિમોચન કર્યું હતું.

સમારોહમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલપ્રભાત લોઢા, ધારાસભ્યો, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિત અનેક પદાધિકારીઓ, જૈન સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રાવકો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande