અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 23 ફેબ્રુઆરીએ “કોમનવેલ્થ કનેક્ટ ફોરમ” યોજાશે
- કોમનવેલ્થ કનેક્ટ ફોરમ: અમદાવાદ વૈશ્વિક અર્થતંત્ર સાથે લાંબા ગાળાના સહકારની દિશામાં મહત્વપૂર્ણ પગલું અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની મળ્યા બાદ રાજ્યને વૈશ્વિક આર્થિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા દિશામાં મહત
Veer Savarkar Sports Complex, Ahmedabad


- કોમનવેલ્થ કનેક્ટ ફોરમ: અમદાવાદ વૈશ્વિક અર્થતંત્ર સાથે લાંબા ગાળાના સહકારની દિશામાં મહત્વપૂર્ણ પગલું

અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની મળ્યા બાદ રાજ્યને વૈશ્વિક આર્થિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું રૂપે ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF), ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી 23 ફેબ્રુઆરીએ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ “કોમનવેલ્થ કનેક્ટ ફોરમ” યોજાશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની દીર્ઘદૃષ્ટિપૂર્ણ પહેલોના પરિણામે કોમનવેલ્થ કનેક્ટ ફોરમ જેવી પહેલો ગુજરાત અને અમદાવાદને વૈશ્વિક આર્થિક સહભાગિતા, સંસ્થાગત જોડાણ અને દીર્ઘકાલીન વિકાસના નવા અવસરો સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ ફોરમ માત્ર ઔપચારિક કાર્યક્રમ નહીં પરંતુ વૈશ્વિક ઓળખને રોકાણ, વેપાર માર્ગો અને સંસ્થાગત ભાગીદારીમાં રૂપાંતરિત કરવાનું એક સુવ્યવસ્થિત આર્થિક મંચ રહેશે.

આ સાથે 22-23 ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચર્ડ પાર્કરના નેતૃત્વ હેઠળનું ઉચ્ચસ્તરીય બ્રિટિશ પ્રતિનિધિમંડળ ભારત મુલાકાતે આવશે.

પ્રતિનિધિમંડળમાં અદ્યતન ઉત્પાદન, પ્રીસિઝન એન્જિનિયરિંગ, રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, ગ્રીન મોબિલિટી, નાણાકીય સેવાઓ અને યુનિવર્સિટી સંશોધન ક્ષેત્રના પ્રતિનિધિઓ સામેલ રહેશે. આ મુલાકાત દરમિયાન અમદાવાદ, મૂડી રોકાણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ભવિષ્ય કૌશલ્ય અને નાણાકીય બજાર જોડાણ અંગે ચર્ચાઓ યોજાશે.

અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, “કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અમદાવાદ માટે માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ વૈશ્વિક આર્થિક સહભાગિતા અને દીર્ઘકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે.કોમનવેલ્થ ગેમ્સ-2030ના આયોજન સાથે શહેરમાં સર્જાતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને આર્થિક ગતિને વૈશ્વિક નેટવર્ક સાથે જોડવાનો આ પ્રયાસ છે. અમદાવાદને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, નવીન અને રોકાણમૈત્રી શહેર તરીકે સ્થાપિત કરવા માટે આવા વ્યૂહાત્મક મંચો મહત્વપૂર્ણ સાબિત થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સ-2030ની તૈયારી લાંબા ગાળાના શહેરી પરિવર્તન સાથે જોડાયેલી છે. રમતગમત ઉપરાંત સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ મોબિલિટી, નાગરિક સેવાઓના આધુનિકીકરણ અને વૈશ્વિક ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઈન્ડિયા ગ્લોબલ ફોરમ અને સ્માર્ટર રીજન્સ કાર્યક્રમ સાથેના સહકારથી અમદાવાદને વૈશ્વિક સ્પર્ધાત્મક શહેર તરીકે વિકસાવવામાં આવશે.

ઈન્ડિયા ગ્લોબલ ફોરમના સ્થાપક અને અધ્યક્ષ મનોજ લાડવાએ જણાવ્યું કે આ પહેલ માત્ર રમતોત્સવ યોજવા માટે નથી પરંતુ રાજ્યની વૈશ્વિક ઓળખને નવી રીતે સ્થાપિત કરવા માટે છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે ત્યારે માત્ર સ્ટેડિયમો નહીં બને પરંતુ વિશ્વના રોકાણકારો ગુજરાતને નવી દૃષ્ટિએ જોશે. વિશ્વાસ રોકાણ લાવે છે અને રોકાણ વિકાસને ગતિ આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે 56 દેશો, અંદાજે 2.7 બિલિયન વસ્તી અને 13 ટ્રિલિયન ડોલરથી વધુ સંયુક્ત GDP ધરાવતું કોમનવેલ્થ વિકાસનું શક્તિશાળી નેટવર્ક છે અને કોમનવેલ્થ કનેક્ટ દ્વારા ગુજરાતને આર્થિક લાભમાં રૂપાંતરિત કરવાનો હેતુ છે.

ગુજરાતના વેપારીઓએ વર્ષોથી પૂર્વ આફ્રિકા, ગલ્ફ અને યુકે સાથે વેપારિક સંબંધો સ્થાપ્યા છે અને ગુજરાત-વેસ્ટ મિડલેન્ડ્સ વચ્ચેનો ડાયસ્પોરા આધારિત વ્યાપારિક સંપર્ક મજબૂત માનવામાં આવે છે. આ ફોરમ દ્વારા વિશ્વાસના આ સંબંધોને વેપાર અને રોકાણમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ થશે.

પ્રતિનિધિમંડળ ગુજરાત સરકાર સાથે વ્યૂહાત્મક બેઠક કરશે, ગિફ્ટ સિટીની મુલાકાત લઈ નાણાકીય સેવાઓ અને ફિનટેક સહયોગની શક્યતાઓ તપાસશે તેમજ અદ્યતન ઉત્પાદન, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ ક્ષેત્રે ચર્ચાઓ કરશે. AMC દ્વારા નાગરિક સ્વાગત સમારોહ પણ યોજાશે.

આ પહેલ દ્વારા ગુજરાતની બ્રાન્ડ્સનો કોમનવેલ્થ બજારોમાં પ્રવેશ, વૈશ્વિક કંપનીઓનું રોકાણ, સ્વચ્છ ઊર્જા અને ફિનટેક ભાગીદારી તથા આંતરરાષ્ટ્રીય મૂડી પ્રવાહ વધારવાના હેતુ સાથે કોમનવેલ્થ ગેમ્સ-2030ને લાંબા ગાળાના આર્થિક પરિવર્તન માટે પ્રારંભબિંદુ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઈન્ડિયા ગ્લોબલ ફોરમ વૈશ્વિક નેતાઓ, રોકાણકારો, નીતિનિર્માતાઓ અને ઉદ્યોગસાહસિકોને ભારતના વિકાસ સાથે જોડતું એક આંતરરાષ્ટ્રીય મંચ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande