
ગીર સોમનાથ ,22 ફેબ્રુઆરી (હિ.સ.)
દિવ્યાંગતા ધરાવતાં અંધ, બહેરા–મુંગા, શારીરિક અપંગતા ધરાવતાં તેમજ રક્તપિત અને માનસિક ક્ષતિ ધરાવતાં વ્યક્તિઓનાં ઉત્કૃષ્ટ કાર્યને પ્રોત્સાહન આપવા તેમજ તેમને સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાની દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં દિવ્યાંગતા ધરાવતાં શ્રેષ્ઠ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને રોજગાર આપતાં શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓને નોકરીમાં થાળે પાડવા માટે વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ ભાગ લઈ શકે છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો માટે અરજીપત્રકનો નમુનો શ્રમ અને રોજગાર વિભાગની અધિકૃત વેબસાઇટ
[www.talimrojgar.gujarat.gov.in](http://www.talimrojgar.gujarat.gov.in) પરથી ડાઉનલોડ કરી શકાય છે. સાથે સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે અરજીપત્રકો વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે.
ભરેલ અરજીપત્રકો જરૂરી આધાર દસ્તાવેજોના બિડાણો સાથે ત્રણ નકલમાં તા. ૨૭/૦૨/૨૦૨૬ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથને મોકલી આપવાની રહેશે.
આ સ્પર્ધા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓની કાર્યક્ષમતાને માન્યતા મળશે તેમજ તેમને વધુ પ્રોત્સાહન મળી આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની તક મળશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથનો સંપર્ક કરવા ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ