
ગીર સોમનાથ 22 ફેબ્રુઆરી (હિ.સ.)
જૂનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રીના મીની કુંભ મેળા ૨૦૨૬માં એક્સ્ટ્રા સંચાલનની કામગીરી હાથ ધરીને વેરાવળના એસ.ટી.ડેપોએ મુસાફરોની સગવડતામાં વધારો કરી ઉત્તમ કામગીરી દાખવી છે. એકસ્ટ્રા સંચાલનથી રૂ.૩૪ લાખની આવક સાથે મહત્તમ મુસાફરોએ મુસાફરી કરી વેરાવળ એસ.ટી.ડેપોએ જૂનાગઢ વિભાગમાં આગવું સ્થાન મેળવ્યું છે.
જૂનાગઢ વિભાગના વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે ૫૪૭ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫,૯૭૦ મુસાફરોએ મુસાફરી કરી હતી અને આ સાથે જ વેરાવળ એસ.ટી.ડેપોએ સૌથી વધુ રૂ. ૩૪,૦૬,૪૯૦ લાખની આવક મેળવી હતી.
વેરાવળ ડેપો મેનેજર દિલિપ શામળાએ સમગ્ર શ્રેય ડ્રાઈવર-કન્ડક્ટરની ટીમને આપતા જણાવ્યું હતું કે, ડ્રાઈવર્સ અને કન્ડક્ટર્સે રાત-દિવસ સતત મહેનત કરી મુસાફરની સેવા કરી છે. આ સાથે જ એક સારી આવક મેળવીને વેરાવળ ડેપોનું ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ડેપોના ટ્રાફિક સુપર વાઇઝરો, મિકેનીક સુપર વાઇઝરો, ટ્રાફિક સ્ટાફ , મેકેનિક સ્ટાફ અને વહીવટી સ્ટાફ દ્વારા પણ સતત આયોજન પૂર્વક કામગીરી કરવામાં આવી છે.
આ સાથે જ તેમણે ડેપોની ૬ ગાડી કે જેના તમામ સભ્યોએ સતત સંચાલન કરી મહતમ ફાળો આપ્યો છે એ તમામનો પણ ધન્યવાદ પાઠવી અને ભાવનગર વિભાગના ડ્રાઇવર-કન્ડક્ટરની સારી કામગીરીને બીરદાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ