
મહેસાણા, 22 ફેબ્રુઆરી (હિ.સ.)
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં નાના બાળકો ધરાવતા વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. કડીમાં એક માસૂમ બાળક રમતા રમતા અંદાજિત 5 સે.મી. લાંબી પેન્સિલ ગળી જતા પરિવારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, તબીબોની સમયસર કામગીરીના કારણે બાળકને નવી જિંદગી મળી છે.
મળતી માહિતી મુજબ, બાળક પોતાના ઘરમાં રમતું હતું ત્યારે અચાનક પેન્સિલ ગળી ગયું હતું. બાળકને તકલીફ શરૂ થતા ગભરાયેલા વાલીઓએ તેને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરતા પેન્સિલ બાળકના પાચનતંત્રમાં ફસાયેલી હોવાનું સામે આવ્યું હતું, જે જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ હતી.
તબીબોની ટીમે આધુનિક એન્ડોસ્કોપી પદ્ધતિનો ઉપયોગ કરીને કોઈ મોટી સર્જરી વિના સફળતાપૂર્વક પેન્સિલ બહાર કાઢી લીધી હતી. સમગ્ર પ્રક્રિયા સફળ રહેતાં બાળક હાલ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.તબીબોએ આ ઘટનાને વાલીઓ માટે લાલબત્તી સમાન ગણાવી બાળકો રમતા હોય ત્યારે ખાસ દેખરેખ રાખવા અને જોખમી વસ્તુઓથી દૂર રાખવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR