




પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરની સેફ્રોન હોટેલ ખાતે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય હેઠળના હસ્તશિલ્પ સેવા કેન્દ્ર, ભુજ દ્વારા નેશનલ ચોપાલ રોલઆઉટ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ 'ચોપાલ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને હસ્તકલા ક્ષેત્રે જાગૃત કરી તેમનામાં ઉદ્યોગ સાહસિકતાની ભાવના વિકસાવવાનો હતો. આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં પોરબંદર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચિંગરિયા, રાતિયા, આદિત્યાણા, નરસિંગ ટેકરી, બોખીરા અને ઓડદરના આશરે 131 જેટલા કારીગરો અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનું ઉદઘાટન મુખ્ય મહેમાન અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉદ્યોગ કમિશનર ડી.આર. પરમાર, નાબાર્ડના ડીડીએમ શ્રીમતી શીતલ શ્રીવાસ્તવ, સહાયક નિયામક (હસ્તકલા) ગોપેશ કુમાર મૌર્ય અને ડીઆરડીએના સહાયક પ્રોજેક્ટ મેનેજર અતુલ કુમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સહાયક નિયામક ગોપેશ કુમાર મૌર્યએ ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી અને કારીગરોને પોતાનું ઓળખ કાર્ડ કઢાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શીતલ શ્રીવાસ્તવ અને અતુલ કુમારે પણ પોતપોતાના વિભાગીય માળખા અને યોજનાઓ વિશે વાત કરી કારીગરોને મહત્તમ લાભ અપાવવા પરસ્પર સહયોગની જરૂરિયાત સમજાવી હતી.મુખ્ય મહેમાન ડી.આર. પરમારે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે ચલાવવામાં આવતી વિવિધ પ્રોત્સાહક યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે હસ્તકલા વિભાગને પણ સલાહ આપી હતી કે યોજનાઓનો અમલ એવી રીતે થાય કે જેથી છેવાડાના કારીગરો સુધી તેનો લાભ ઝડપથી પહોંચી શકે. કાર્યક્રમ દરમિયાન 120 જેટલા કારીગરોએ ઓળખ કાર્ડ માટેના ફોર્મ સ્થળ પર જ ભર્યા હતા.
આ પ્રસંગે મયુર વાઘેલા, આશિષ પુરોહિત, વિક્રમ ચાંડપા અને ડિઝાઇનર નયન પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સહાયક હસ્તકલા નિયામક દ્વારા તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર માની કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya