
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)રાધનપુર ખાતે આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા જન્મ, લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને કુરિવાજોને અટકાવવા માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી સભામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજજનો હાજર રહ્યા હતા. દેખાદેખીના ખર્ચનો ત્યાગ કરવાની અપીલ સાથે સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો.
નવા બંધારણ મુજબ અનેક ખર્ચાળ પ્રથાઓ પર પ્રતિબંધ મૂકાયો છે. લગ્ન પ્રસંગે દારૂખાનું ફોડવા પર સંપૂર્ણ મનાઈ રહેશે અને જાનમાં માત્ર સમાજના જ લોકોને લઈ જવાની જોગવાઈ કરાઈ છે. અન્ય સમાજના વ્યક્તિઓને જાનમાં સામેલ કરવા પર પ્રતિબંધ રહેશે.
પ્રિ-વેડિંગ ફોટોશૂટ, વરરાજાને ઘોડા અથવા બગી પર બેસાડવાની પ્રથા અને હલ્દી રસમ બંધ રાખવામાં આવી છે. તેના બદલે સાદી રીતે પીઠી ચોળવાની રહેશે. રાસ-ગરબા દરમિયાન ડીજેના ઉપયોગ અને બેબી શાવર જેવા કાર્યક્રમો પણ નહીં કરવા નિર્ણય લેવાયો છે.
બંધારણના અસરકારક અમલ માટે દરેક ગામે સમિતિઓ રચાશે. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ