
કાબુલ/ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). પાકિસ્તાને રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો હતો, જેમાં અનેક આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. દરમિયાન અફઘાન લોકો ફરિયાદ કરી રહ્યા છે કે, પાકિસ્તાને દેશના અનેક ભાગોમાં ઉશ્કેરણી વિના બોમ્બમારો કરીને નાગરિકોને નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાનની દુનિયા ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, માહિતી મંત્રાલયે શનિવારે મધ્યરાત્રિએ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં સાત આતંકવાદી છાવણીઓ અને ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇસ્લામાબાદ, બાજૌર અને બન્નુમાં થયેલા હુમલાઓમાં અફઘાન આતંકવાદીઓ સામેલ હતા.
અગાઉ, અફઘાન મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે, પક્તિયા અને નંગરહાર પ્રાંતમાં આતંકવાદી ઠેકાણાઓ પર વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. પક્તિયાના નંગરહાર અને મુર્ગા બજારમાં થયેલા વિસ્ફોટોથી આતંકવાદી માળખાનો સંપૂર્ણ નાશ થયો હતો. પાકિસ્તાની યુદ્ધવિમાનોએ વિવિધ વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. જાનહાનિ અંગે કોઈ માહિતી નહોતી. નંગરહારના ખોગયાની, ખેલ અને બેહસુદ જિલ્લામાં વિસ્ફોટ થયા હતા, જેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ થયો હતો.
ધ અફઘાનિસ્તાન ટાઈમ્સ અનુસાર, પૂર્વી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં એક પરિવારના 23 સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. તેમાંથી ચારને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના હજુ પણ ગુમ છે. આ હુમલો શનિવારે મધ્યરાત્રિની આસપાસ થયો હતો. પાકિસ્તાને નંગરહાર પ્રાંતના ત્રણ અને પક્તિકા પ્રાંતના બે જિલ્લાઓને નિશાન બનાવ્યા હતા. હુમલાના વાયરલ વીડિયોમાં નંગરહાર પ્રાંતના એક અસરગ્રસ્ત પરિવારના સભ્યને કાટમાળમાં સંબંધીઓને શોધતા બતાવવામાં આવ્યા છે.
અમારા પરિવારના ત્રેવીસ સભ્યો કાટમાળ નીચે દટાયેલા છે. અમારામાંથી ચાર અત્યાર સુધી બહાર નીકળી શક્યા છીએ. બાકીના હજુ પણ ગુમ છે, પરિવારના એક સભ્યએ જણાવ્યું. અમે ખેડૂત છીએ. અમે આખો દિવસ અમારા ખેતરોમાં કામ કર્યું. સાંજે અમે અમારો ઉપવાસ તોડ્યો, અમારી કાકી સાથે વાત કરી. જ્યારે હુમલો થયો ત્યારે અમે બધા સૂઈ રહ્યા હતા.
તાલિબાને હજુ સુધી પક્તિકાના બારમાલ અને ઉર્ગુન જિલ્લાઓ અને નંગરહારના બેહસુદ, ખોગ્યાની અને ઘની ખેલ જિલ્લાઓની પરિસ્થિતિ પર કોઈ ટિપ્પણી કરી નથી. દરમિયાન, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ હુમલાઓ પાકિસ્તાનમાં તાજેતરના આત્મઘાતી હુમલાઓના જવાબમાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ