

મહેસાણા, 22 ફેબ્રુઆરી (હિ.સ.)
મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન દ્વારા ‘બાળિકાઓ સુરક્ષિત – સમાજ સુરક્ષિત’ અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંથલ પ્રાથમિક શાળા અને જોટાણા કન્યા વિદ્યાલય ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓને ‘ગુડ ટચ – બેડ ટચ’ વિષય પર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાંથલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. વરિયંધ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબેન મણિલાલ દ્વારા સરળ ભાષામાં સારા અને ખરાબ સ્પર્શ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો હતો. સાથે જ, કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો કેવી રીતે હિંમતપૂર્વક તેનો સામનો કરવો અને કોની મદદ લેવી તે અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના બીજા તબક્કામાં વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સ અને સ્વરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. પોલીસ ટીમે વિવિધ ટેક્નિક શીખવી આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળિકાઓમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને આત્મરક્ષા માટે સજ્જ બનાવવાનો હતો. આ પ્રસંગે શાળા પરિવાર અને ગ્રામજનોએ પોલીસના આ પ્રયાસને વખાણ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR