

પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)ભારતના ચૂંટણી પંચ દ્વારા ગત 27 ઓક્ટોબર 2025 ના રોજ ગુજરાત સહિત દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અમલી બનાવવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત સાડા ત્રણ માસ સુધી ચાલેલી વિવિધ તબક્કાઓની સઘન કામગીરી બાદ,17 ફેબ્રુઆરી 2026 ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ જાહેરાત કરવા માટે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશ દરમિયાન 19 ડિસેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી હક્ક-વાંધા અને દાવાઓ સ્વીકારવામાં આવ્યા હતા, જેનું ચૂંટણી અધિકારીઓ દ્વારા 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશની વિશેષતા એ રહી કે BLO દ્વારા કરવામાં આવેલા ડોર-ટુ-ડોર સર્વેમાં અવસાન પામેલા, કાયમી સ્થળાંતરિત થયેલા અને બે જગ્યાએ નોંધણી ધરાવતા મતદારોની ચોકસાઈપૂર્વક ઓળખ કરવામાં આવી હતી. આંકડાકીય વિગતો મુજબ, મુસદ્દા મતદારયાદી પૂર્વે જિલ્લામાં 5,01,734 મતદારો નોંધાયેલા હતા, જે મુસદ્દા પ્રસિદ્ધિ બાદ ઘટીને 4,34,934 થયા હતા. કારણ કે કુલ 66,800 મતદારોને ASD (Absent, Shifted, Dead) કેટેગરી હેઠળ કમી કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદની પ્રક્રિયામાં 11,432 નવા મતદારો ઉમેરાયા અને 2,214 નામો કમી થયા, જેના પરિણામે આખરી મતદારયાદીમાં 9,218 મતદારોનો ચોખ્ખો વધારો (Net Addition) નોંધાયો છે. જેમાં 83– પોરબંદર વિધાનસાભામાં કુલ 2,34,135 અને 84 – કુતિયાણા વિધાનસભામાં કુલ 2,10,026 એમ કુલ મળીને પોરબંદર જિલ્લામાં હાલમાં આખરી મતદારયાદીમાં કુલ 4,44,161 મતદારોના નામ નોંધાયેલા છે.
મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, 01 જાન્યુઆરી 2026 ની લાયકાતની તારીખ મુજબ તૈયાર થયેલી આ યાદી તમામ મતદાન મથકો અને મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જે નાગરિકોએ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય અને નામ નોંધાવવાનું બાકી હોય તેઓ હજુ પણ ફોર્મ નં. 6 ભરીને ભવિષ્યની યાદી માટે અરજી કરી શકે છે. નામમાં સુધારા માટે ફોર્મ નં. 8 અને વાંધા રજૂ કરવા માટે ફોર્મ નં. 7 નો ઉપયોગ કરી ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી જરૂરી પુરાવા સાથે અરજી કરી શકાય છે. આ પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એ. જાદવ અને અન્ય વહીવટી અધિકારીઓ સહિત પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya