


અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) “નેશનલ મેનેજમેન્ટ ડે”ની ઉજવણીના અવસરે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા એએમએ ખાતે “ટ્રાન્સફોર્મિંગ ફોર ટુમોરો: ગ્રોથ વિથ રેઝિલિયન્સ” (આવતીકાલ માટે પરિવર્તન: સ્થિતિસ્થાપકતા સાથે વૃધ્ધિ) થીમ પર ઇનોવેશન કોન્ફરન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં વૈશ્વિક મેનેજમેન્ટ અને ઇનોવેશનના બદલાતા પરિદ્રશ્ય પર ચર્ચા કરવા માટે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શૈક્ષણિક નેતાઓ અને ડિજિટલ નિષ્ણાતો એકત્રિત થયા હતા.
અચલ બેકરી (એએમએના ભૂતપૂર્વ પ્રમુખ અને સિમ્ફની લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર) ઉદ્ઘાટન કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, અસ્થિર વૈશ્વિક અર્થતંત્રમાં વ્યવસાયોના વિકાસ માટે ઇનોવેશન (નવીનતા) અને રેઝિલિયન્સ (સ્થિતિસ્થાપકતા)નું મિશ્રણ હવે માત્ર એક વિકલ્પ નહીં પણ અનિવાર્ય જરૂરિયાત છે. પાર્થ દેવરીયા (એઆઈ અને ટેકનોલોજી કન્સલ્ટન્ટ, સ્થાપક અને સીઈઓ, જીફ્યુચર ટેક)એ વિશેષ સંબોધન આપતા વૃધ્ધિ અને સ્પર્ધાત્મક લાભ માટે ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગેના વ્યવહારુ દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા.
“ઈએસજી એન્ડ સસ્ટેનેબિલિટી: ઇનોવેટિંગ ફોર સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સિબલ ગ્રોથ” વિષય પર આયોજિત પેનલ ચર્ચામાં સીએ વિવેક શાહ (સીનિયર પાર્ટનર, રમણલાલ જી. શાહ એન્ડ કંપની), અંકિત કપાસી (લીડ - સસ્ટેનેબિલિટી સર્વિસીસ, ડીએસએસ+), સ્નેહલ જરીવાલા (એમડી અને સીઈઓ, NEPRA એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ ટેક્નોલોજીસ) અને રીતિકા ગોએન્કા (સ્થાપક, પ્લેનેટરી પ્લસ) એ સંબોધન કર્યું હતું. આ ચર્ચાનું સંચાલન અંજની પટેલ (સીનિયર સસ્ટેનેબિલિટી કન્સલ્ટન્ટ, સેવી ગ્રીન્સ) દ્રારા કરવામાં આવ્યું હતું, જેમાં ઈએસજી ફ્રેમવર્ક કેવી રીતે કોર્પોરેટ મૂલ્યના મુખ્ય પ્રેરક બની રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
“એઆઈ અને ડિજિટલ ઇનોવેશન: ડ્રાઇવિંગ ઇનોવેશન થ્રુ એઆઈ એન્ડ ડિજિટલ ટેકનોલોજી” વિષય પરની પેનલ ચર્ચામાં કિરણ નાયર (ચીફ ડિજિટલ ઓફિસર, અદાણી રિન્યુએબલ્સ ગ્રીન) અને ભાવેશ નૈનાની (જનરલ મેનેજર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઝાયડસ ગ્રુપ)એ પોતાના વિચારો રજૂ કર્યા હતા. અનુજા પરીખ (સીઈઓ, ઇન્ટેક સિસ્ટમ્સ પ્રા. લિ.)એ આ સત્રનું સંચાલન કર્યું હતું. નિષ્ણાતોએ હાઈલાઈટ કર્યું કે કેવી રીતે એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી ગ્રીન એનર્જી અને હેલ્થકેર સેક્ટરમાં કામગીરીને સુવ્યવસ્થિત કરી રહી છે અને નવા સ્પર્ધાત્મક લાભો ઉભા કરી રહી છે.
“ઇનોવેશન ઈન એજ્યુકેશન સેક્ટર: ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન ફોર ફ્યુચર સ્કિલ્સ” વિષય પરની પેનલ ચર્ચામાં પ્રો. (ડૉ.) વિજય કુમાર શ્રીવાસ્તવ (વાઈસ ચાન્સેલર, કેએન યુનિવર્સિટી, અમદાવાદ), અર્ચિત ભટ્ટ (મેનેજિંગ ડિરેક્ટર, ત્રિપદા લર્નિંગ સોલ્યુશન્સ પ્રા. લિ.), ડૉ. સોનલ પંડ્યા (પ્રોફેસર અને હેડ, કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી) અને ડૉ. વિશાલ દહિયા (એઆઈ અને બિગ ડેટા સંશોધક, સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રોફેસર અને ડિરેક્ટર) એ સંબોધન કર્યું હતું. આ સત્રનું સંચાલન ડૉ. સીએ અચ્યુત દાણી (ડિરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ, જેજી યુનિવર્સિટી)એ કર્યું હતું. પેનલના સભ્યોએ ભવિષ્યના કાર્યબળ માટે જરૂરી કૌશલ્યો સાથે શૈક્ષણિક અભ્યાસક્રમોને સુસંગત બનાવવા અને તેમાં પરિવર્તન લાવવાની તાતી જરૂરિયાત પર ચર્ચા કરી હતી.
રમતગમત ક્ષેત્રના ઝડપી વ્યાવસાયીકરણ પર પ્રકાશ પાડતા,“ઇનોવેશન ઇન સ્પોર્ટ્સ: ટેકનોલોજી, પરફોર્મન્સ એન્ડ ધ બિઝનેસ ઓફ સ્પોર્ટ્સ” વિષય પર યોજાયેલી પેનલ ચર્ચામાં ડૉ. જતિન સોની (પૂર્વ વાઈસ ચાન્સેલર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી), ડૉ. પ્રીતેશ શુક્લા (રજિસ્ટ્રાર, ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી) અને નીરવ શુક્લા (સીઈઓ/સ્થાપક, ફેમ આઈટી કન્સલ્ટન્સી)એ સંબોધન કર્યું હતું. આ સત્રનું સંચાલન કૃણાલ શાહ (મેનેજર, એલિક્ઝિર ફાઉન્ડેશન) દ્રારા કરવામાં આવ્યું હતું.
કોન્ફરન્સનું સમાપન જાણીતા ઉદ્યોગસાહસિક અને પ્રેરક વક્તા તથા લેખક પોઝિટિવ પાજી (કુલદીપસિંહ કલેર)ના પ્રેરણાદાયી સમાપન સત્ર સાથે થયું હતું. તેમના સંબોધનમાં પરિવર્તનને સ્વીકારવા માટે જરૂરી માનસિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેણે શ્રોતાઓમાં આશાવાદ અને મક્કમતાનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ