
અમરેલી,22 ફેબ્રુઆરી (હિ.સ.)
અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં સતત મિલકત સંબંધિત ગુનાઓ આચરતા બે રીઢા ગુનેગારો અક્ષય સાઢમિયા અને મહમદહુસેન કટારીયાને પાસા (Prevention of Anti-Social Activities Act) હેઠળ જેલભેગા કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ સામે ચોરી, લૂંટ અને અન્ય મિલકત સંબંધિત ગુનાઓના અનેક કેસ નોંધાયેલા હોવાને કારણે તેઓ જાહેર શાંતિ અને સુરક્ષા માટે જોખમી માનવામાં આવતાં હતા.
પોલીસ તંત્રએ તેમની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બંને આરોપીઓને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી અલગ-અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે, જેથી તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી ન શકે.
પોલીસના જણાવ્યા અનુસાર, આવા રીઢા ગુનેગારો સામે કડક પગલાં લેવાથી ગુનાખોરી પર નિયંત્રણ લાવવા તેમજ સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો પ્રયાસ છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ ગુનાખોરીને અંકુશમાં રાખવા સતત સઘન કામગીરી ચાલુ રાખવામાં આવશે અને કાયદો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai