
વલસાડ, 22 ફેબ્રુઆરી (હિ.સ.): વલસાડના ખડકીભાગડા વિસ્તારમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રવિવારે રાત્રે જૂની અદાવતને કારણે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હિરેન પટેલ નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
માહિતી મુજબ, હિરેન પોતાના મિત્ર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો, જ્યાં તેના મિત્ર અને વિશાલ નામના વ્યક્તિ વચ્ચે જૂના મનદુઃખને કારણે બોલાચાલી થઈ હતી. વાત વધુ ઉગ્ર બનતા હિરેન પણ તેમાં જોડાયો, જેના કારણે પરિસ્થિતિ બગડી ગઈ હતી.
આરોપ છે કે, વિશાલ રાઠોડ અને તેના સાથીદારો ગ્રાઉન્ડ પર પડેલા ક્રિકેટ સ્ટમ્પ લઈને હિરેન પર તૂટી પડ્યા હતા. હુમલા દરમિયાન તેના માથામાં અનેક ફટકા મારવામાં આવ્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને તેને ટાંકા લેવા પડ્યા હતા.
હુમલા બાદ આરોપીઓએ, જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી પલાયન કર્યું હતું. ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસે વિશાલ રાઠોડ સહિત ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે