
સુરત, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-ઉધના-મગદલ્લા રોડ પર ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના મેદાનમાં આયોજિત ભવ્ય રાષ્ટ્રીય પુસ્તક મેળાના પ્રથમ જ દિવસે પુસ્તકપ્રેમી સુરતીઓનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. સાહિત્ય સાથે પ્રકૃતિ અને કલાનો સંગમ સર્જતો આ મેળો વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતો અનોખો પ્રયત્ન બની રહ્યો છે.
આ મેળામાં કુલ 11 ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાંથી 5 ડોમ બુક ફેર માટે ફાળવાયા છે, જેમાં કુલ 63 બુક સ્ટોલ્સ છે. ફૂડ ઝોન માટે 1 ડોમમાં 36 સ્ટોલ્સ, શિલ્પગ્રામ માટે 1 ડોમમાં 44 સ્ટોલ્સ અને પ્લાન્ટેશન માટે 4 ડોમમાં 40 સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે. મેળાના મધ્યમાં 800 ચો.મી. વિસ્તારમાં આકર્ષક ફ્લાવર શો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ એક ડોમમાં ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકાય છે.
મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન, કાર્યો અને વિચારધારા પર આધારિત તેમજ તેમના દ્વારા લખાયેલા પુસ્તકોનું વિશેષ ‘થીમ પેવેલિયન’ પણ બનાવવામાં આવ્યું છે. અહીં ‘નમો રીડિંગ કોર્નર’ અને ‘લેટર્સ ટુ પીએમ’ જેવા વિભાગો પણ ઉભા કરવામાં આવ્યા છે, જે મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ બની રહ્યા છે.
હોર્ટિકલ્ચર ફેર અને ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર
બાગાયત મેળામાં ગુજરાત અને મહારાષ્ટ્રની 40 નર્સરીઓ ભાગ લઈ રહી છે. અહીંથી લોકો 45થી વધુ જાતના ફૂલછોડ, બાગાયતી સાધનો અને કુંડાઓ યોગ્ય કિંમતે ખરીદી શકે છે. ફ્લાવર શોમાં પી.એમ. આવાસ યોજના, જનઆરોગ્ય યોજના, સૂર્યઘર યોજના, જલશક્તિ અભિયાન અને મેટ્રોસિટી જેવા વિષયો પર ફૂલોથી સજાવટ કરાયેલા આકર્ષક સ્ટ્રકચરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સાથે જ સેલ્ફી પોઇન્ટ અને એન્ટ્રી-એક્ઝિટ ગેટ પણ ખાસ રીતે શણગારવામાં આવ્યા છે.
શિલ્પગ્રામમાં હસ્તકલા કારીગરોની કલાનો મેળાવડો
શિલ્પગ્રામ મેળામાં વિવિધ હસ્તકલા અને હાથશાળના કારીગરોની અનોખી કૃતિઓ પ્રદર્શિત અને વેચાણ માટે મૂકવામાં આવી છે. જેમાં કચ્છી જ્વેલરી, એમ્બ્રોઇડરી, શંખમાંથી બનેલી વસ્તુઓ, શો-પીસ, તોરણ અને બીડ વર્ક જેવી કલાત્મક ચીજોનો સમાવેશ થાય છે. આ મેળાનો હેતુ પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવાનો અને લોકોને હસ્તકલા પ્રત્યે જાગૃત કરવાનો છે.
2000થી શરૂ થયેલી પરંપરા
સુરત શહેર ઉદ્યોગ સાથે સાથે સાહિત્ય અને સંસ્કૃતિ માટે પણ ઓળખ ધરાવે છે. શહેરમાં વાંચન સંસ્કૃતિને વધારવા માટે સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2000માં પ્રથમ વખત રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કર્યું હતું. ત્યારથી દર વર્ષે આ મેળો વધુ વિશાળ અને લોકપ્રિય બનતો જઈ રહ્યો છે, જેમાં પુસ્તક મેળા સાથે હોર્ટિકલ્ચર ફેર, ફ્લાવર શો અને શિલ્પગ્રામ મેળાનો સમાવેશ થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે