પોલીસ ભરતી દરમિયાન યુવાનનું દુઃખદ અવસાન, વલસાડમાં શોકની લાગણી
વલસાડ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-વલસાડ જિલ્લાના કામરેજ ખાતે ચાલી રહેલી ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક વધુ દુઃખદ ઘટના સામે આવી છે. દોડ દરમિયાન અચાનક તબિયત બગડતા 27 વર્ષીય યુવાનનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ
પોલીસ ભરતી દરમિયાન યુવાનનું દુઃખદ અવસાન


વલસાડ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-વલસાડ જિલ્લાના કામરેજ ખાતે ચાલી રહેલી ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક વધુ દુઃખદ ઘટના સામે આવી છે. દોડ દરમિયાન અચાનક તબિયત બગડતા 27 વર્ષીય યુવાનનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ દેવદર્શન સોસાયટીમાં રહેતા અને વલસાડ રેલવે પોલીસમાં ફરજ બજાવતા પ્રવિણ બારીયાના પુત્ર રવિન્દ્ર બારીયા લાંબા સમયથી પોલીસ ભરતી માટે મહેનત કરી રહ્યા હતા. શનિવારે વહેલી સવારે તેમની શારીરિક કસોટી કામરેજના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી.

રવિન્દ્ર શુક્રવારે પોતાના ડ્રાઈવર સાથે કામરેજ પહોંચીને ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. શનિવારે સવારે દોડ દરમિયાન તેમણે 13 રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ અચાનક પગમાં તીવ્ર દુઃખાવો અને ચક્કર આવતાં મેદાનમાં જ ઢળી પડ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.

પરંતુ ગેસ્ટ હાઉસ પરત ફર્યા બાદ થોડા સમય પછી ફરીથી પગ અને છાતીમાં ગંભીર દુઃખાવો થતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને પિતા સ્થળ પર પહોંચી ગયા હતા. રવિન્દ્રનું પોલીસમાં ભરતી થઈ પિતાની જેમ ખાખી પહેરવાનું સપનું અધૂરું રહી ગયું. આ ઘટનાને લઈને વલસાડ પોલીસ પરિવાર તેમજ સ્થાનિકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.

કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande