
અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) અમદાવાદમાં ગતરાત્રિએ 19 વર્ષીય યુવકની જાહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં ગતરાત્રિએ અજાણ્યા શખસ દ્વારા એક યુવકની સરાજાહેર હત્યા નિપજાવી દેવામાં આવી છે. બાઈક પર જઈ રહેલા યુવક પર તિક્ષણ હથિયારો વડે હુમલો કરાતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. હત્યારો હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હોય પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરી હત્યારાનું પગેરુ્ં મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.
બહેરામપુરામાં રહેતો 19 વર્ષીય હિમેશ પરમાર ગઈકાલે રાત્રે તેનું બાઈક લઈને બહેરામપુરાના હીરાલક્ષ્મી ફ્લેટ પાસેથી જઈ રહ્યો હતો.આ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ હિમેશ સાથે તકરાર કરીને હિમેશને પેટના હાથના અને શરીરના અલગ અલગ ભાગ ઉપર શિક્ષણ હથિયાર વડે ઈજા પહોંચાડી હતી.અજાણ્યો વ્યક્તિ હિમેશને તીક્ષ્ણ હથિયાર મારીને નાસી ગયો હતો જે બાદ લોહીલુહાણ હાલતમાં હિમેશ જાહેરમાં પડ્યો હતો.જેને આસપાસના લોકોએ સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ ગયા હતા.
બનાવ અંગે પોલીસ અને હિમેશના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી હિમેશના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સારવાર દરમિયાન જ હિમેશનું મોત થયું હતું.કાગડાપીઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ઘટના સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે.
ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે હત્યા કોણે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.મૃતકના પરિવારના સભ્યો અને મિત્રોના નિવેદન લેવામાં આવ્યા છે.હાલ જે શંકાસ્પદ લાગી રહ્યું છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.જોકે અત્યાર સુધી હત્યા કોણે કરી તે જાણવા મળ્યું નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ