
ભાવનગર,23 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં મેદસ્વિતા નિયંત્રણ માટે ત્રણ તબક્કામાં વિશેષ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરની શરૂઆત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી થઈ હતી અને 20 ફેબ્રુઆરી સુધી ત્રણ રાઉન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોગ કોર્ડિનેટર છાયા પટેલના માર્ગદર્શન હેઠળ બે સ્થળોએ 30 દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેના સમાપન પ્રસંગે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિબિરમાં ભાગ લેનાર યોગ સાધકોને યોગ્ય માર્ગદર્શન આપતાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી સૂચનો અને વૈજ્ઞાનિક માહિતી આપી હતી.
યોગ કોર્ડિનેટર છાયા પટેલના માર્ગદર્શન હેઠળ ગીતામંદિર અક્ષરધામ પાર્ક ખાતે દિયાબેન ડોં, વર્ષા ઘેડીયા, શીતલકટુડીયા તેમજ માધવ નગર કાળીયાબીડ ખાતે સોનલ જોશી, જીજ્ઞા દવે, જીતેન્દ્ર ભટ્ટ દ્વારા 30 દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
આ શિબિર દરમિયાન ભાગ લેનાર સાધકોએ 2 કિલોથી લઈને 7 કિલો સુધી વજનમાં ઘટાડો નોંધાવ્યો હતો, જે યોગ અને નિયમિત જીવનશૈલીના સકારાત્મક પરિણામનું પ્રતીક છે. વધુમાં વધુ નાગરિકો યોગ સાથે જોડાઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે હેતુસર ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નિશુલ્ક યોગ વર્ગો નિયમિત રીતે કાર્યરત છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT