







પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.)“પર્યટન પર્વ - 2026” નિમિતે પોરબંદર ચોપાટી સ્થિત હાથી ગ્રાઉન્ડ ખાતે ખ્યાતનામ લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા ભાવસભર લોકડાયરાની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી. તેમની આગવી શૈલીમાં દુહા, છંદ, લોકગીતો, દેશભક્તિ તથા હાસ્યરસની રજૂઆતથી દરિયાકાંઠાનું સમગ્ર વાતાવરણ લોકસંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું.
કાર્યક્રમની શરૂઆત કલાકાર અમિતભાઈ ઓડેદરાના ડાયરાથી થઈ હતી. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત જનસમૂહનું મન મોહી લીધું. તેમાં ‘કલ્કી અવતાર’ની રજૂઆત, મંથન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રસ્તુત ‘કૃષ્ણ–સુદામા’ ની સાંસ્કૃતિક પ્રસ્તુતિએ તેમજ બાળકવિ દર્શીલ ગોરાણીયાની વિશેષ રજૂઆત ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
લોકડાયરામાં રાજભા ગઢવીએ ગુજરાતની સમૃદ્ધ લોકપરંપરા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી ભાવસભર રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં પોરબંદરના નાગરિકો અને કલાપ્રેમીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ઉલ્લાસભેર માણ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “પર્યટન પર્વ -2026” અંતર્ગત આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમનું સંચાલન એનાઉન્સર શ્રીમતી પૂજાબેન રાજાએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, ચીટનીશ ટુ કલેક્ટર એમ.ટી. ધનવાણી, યુવા વિકાસ અધિકારી પરબતભાઈ હાથલિયા, જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, અગ્રણી લાખણશી ગોરાણીયા, સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya