
ભાવનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતું ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન ખાતે તા. 22 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ના રોજ સમાજસેવી સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા અભિયાન તથા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રેલવે પરિસરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનો તેમજ મુસાફરો અને સામાન્ય નાગરિકોને નશામુક્ત જીવન તરફ જાગૃત કરવાનો હતો.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંત નિરંકારી મંડળ, ભાવનગર (ગુજરાત)ના આશરે 70 સભ્યોએ સક્રિય ભાગીદારી નોંધાવી સ્ટેશન પરિસર તથા પાર્કિંગ વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ પ્રસંગે સંત નિરંકારી મંડળ, ભાવનગરના મુખ્ય દામોદરભાઈની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. સ્વયંસેવકો દ્વારા રેલવે પરિસરને સ્વચ્છ અને સુંદર રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
તે ઉપરાંત ભાવનગર શહેર સ્થિત સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા સ્વયંસેવક શાળાકીય બાળકો દ્વારા સમાજસેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રેલવે કર્મચારીઓ તથા રેલ મુસાફરોને વ્યસનમુક્તિ અંગે જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. બાળકો દ્વારા નશા ન કરવા માટે લોકોને શપથ લેવડાવી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા આપવામાં આવી, જેને ઉપસ્થિત સૌએ પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ભાવનગર રેલવે મંડળ તરફથી વાણિજ્ય વિભાગના અધિકારી અને નિરીક્ષક ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા સમાજસેવી સંસ્થાઓ અને વિદ્યાર્થીઓના આ સરાહનીય સહકાર બદલ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા જનજાગૃતિ અને સ્વચ્છતા અભિયાનોને સતત પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ