ભીડિયા બાણગંગા ખાતે અટલ ગાર્ડનનું લોકાર્પણ અને વેરાવળ ખાતે શેલ્ટર હોમનું ખાતમૂહુર્ત કરતા સાંસદ રાજેશભાઈ ચૂડાસમા
ગીર સોમનાથ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના હસ્તે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા અંતર્ગત ભીડિયા ખાતે બાણગંગાની સામે તૈયાર કરાયેલા ગાર્ડનનું લોકાર્પણ તેમજ નામકરણ અને વેરાવળમાં શેલ્ટર હોમનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. સાંસદ રાજેશ
ભીડિયા બાણગંગા ખાતે અટલ ગાર્ડનનું લોકાર્પણ


ગીર સોમનાથ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના હસ્તે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા અંતર્ગત ભીડિયા ખાતે બાણગંગાની સામે તૈયાર કરાયેલા ગાર્ડનનું લોકાર્પણ તેમજ નામકરણ અને વેરાવળમાં શેલ્ટર હોમનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, અગ્રણી સંજયભાઈ પરમાર, માનસિંહભાઈ પરમાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમ સંપન્ન થયા હતાં.

સાંસદએ જણાવ્યું હતું કે, ‘સ્વાભિમાન પર્વ’ પછી સોમનાથમાં વિકાસની ગતિ વધી છે. આજે શેલ્ટર હોમનું ખાતમૂહુર્ત તથા ગાર્ડનનું લોકાર્પણ કરાયું છે. ભવિષ્યમાં સોમનાથની સાથે-સાથે વેરાવળનો પણ વિકાસ થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એવો સરકારનો અભિગમ છે. જે લોકો આવાસ વિહોણા છે એવા ભિક્ષુકો, શ્રમજીવી વર્ગ માટે ૭૫ બેડનું શેલ્ટર હોમ તૈયાર થશે અને સ્થાનિકો સાથે પ્રવાસીઓને પણ ગાર્ડનની સુવિધાનો લાભ મળશે આમ જણાવી સાંસદએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દિનદયાલ અંત્યોદય યોજના-નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન (DAY-NULM)ના શેલ્ટર ફોર અર્બન હોમલેસ (SUH) અંતર્ગતની ગ્રાન્ટ હેઠળ બોય્ઝ હોસ્ટેલની સામે હૂડકો સોસાયટી ખાતે અંદાજીત રૂ.૨.૧ કરોડના ખર્ચે તૈયાર થનારા શેલ્ટર હોમમાં સ્ટોર, રસોડું, ડાઈનિંગ હોલ, પુરૂષ-સ્ત્રીઓ માટે રૂમ-હોલ, ઓફિસ, ઈલેક્ટ્રિક રૂમ, લોકર રૂમ, બાળકો માટેનો રૂમ સહિત ૭૫ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

જ્યારે અમૃત ૨.૦ વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ બાણગંગાની સામે ગાર્ડન અને કે.કે.મોરી હાઈસ્કૂલ પાસે એમ અંદાજીત રૂ. ૧.૬૨ કરોડના ખર્ચે બન્ને ગાર્ડનનું નિર્માણ કરાયું છે. જેમાંથી સાંસદના હસ્તે ભીડિયા બાણગંગા ખાતે અટલ ગાર્ડનનું લોકાર્પણ અને નામાભિધાન કરવામાં આવ્યું હતું.

આ અટલ ગાર્ડનનો લાભ સ્થાનિક નાગરિકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓને પણ મળશે. ગાર્ડનમાં બાળકો માટે હિંચકા-લસરપટ્ટી, ઉંચક-નીચક, ગઝિબો, લાઈટ્સ, પેવરબ્લોક્સ, બેસવા માટે બાંકડા અને વૉશરૂમ સહિતની સુવિધાઓ છે.

આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર દેવીબહેન ચાવડા, અગ્રણી શૈલેષભાઈ મેસવાણિયા, જયેશભાઈ પંડ્યા તથા ચંદ્રિકાબહેન સિકોતરીયા સહિત નગરપાલિકાના નગરસેવકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande