
ગીર સોમનાથ 23 ફેબ્રુઆરી (હિ.સ.)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સમય પત્રક મુજબ તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ યોજાશે. પરીક્ષાઓના સુનિયોજીત આયોજન માટે તમામ પરીક્ષા સ્થળોએ વર્ગ-૧ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે નિયુકત કરવામાં આવ્યાં છે.
આ પરીક્ષાઓ માટે નિયુકત થયેલા ધોરણ-૧૦/૧૨ના સરકારી પ્રતિનિધિઓની તાલીમ વેરાવળની સરકારી બોય્ઝ હાઈસ્કુલ ખાતે યોજાઈ હતી. આ તાલીમમાં બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી PATA એપ્લીકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી અને આ એપ્લિકેશન તમામ સરકારી પ્રતિનિધિઓના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ડેમો બતાવવામાં આવ્યો હતો.
શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા દ્વારા તમામ સરકારી પ્રતિનિધિઓને તેમને શું-શું ફરજો બજાવવાની છે અને કઈ-કઈ કાળજીઓ રાખવાની રહેશે તેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી.
કચેરીના શિક્ષણ નિરીક્ષકો આર.એ.ડોડીયા અને એસ.ડી.ડોડીયા તેમજ ધોરણ-૧૨ના ઝોનલ અધિકાર વી.બી.ખાંભલા તેમજ ધોરણ-૧૦ વેરાવળના ઝોનલ અધિકારી એન.એસ.શામળા દ્વારા બોર્ડની પરીક્ષા દરમિયાનની સરકારી પ્રતિનિધિઓની કાર્યપદ્ધતિઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ