
ગીર સોમનાથ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : પ્રાકૃતિક કૃષિ મનુષ્યના શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયાં છે. ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીનો પાક મોટા પ્રમાણમાં વાવવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી નાળિયેરીમાં રૂગોઝ સ્પિરિલિંગ વ્હાઇટ ફ્લાય (સફેદ માખી) નો ગંભીર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેનું નિરાકરણ પ્રાકૃતિક કૃષિમાં સમાયેલું છે.
સફેદ માખી પાંદડાના નીચેના ભાગમાં વસવાટ કરીને રસ ચૂસી લે છે, જેના કારણે પાંદડા પીળા પડી જાય છે, સુકાઈ જાય છે, ઝાડની વૃદ્ધિ ધીમી પડે છે, ફૂલ-ફળની ધારણ ક્ષમતા ઘટે છે અને ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ઉપરાંત આ જીવાત મધરસ છોડે છે જેના કારણે પાંદડાં પર કાળી ફૂગ (સૂટી મોલ્ડ) વિકસે છે અને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા પ્રભાવિત થાય છે. ઘણા ખેડૂતો દ્વારા રસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં આ જીવાત પર સંપૂર્ણ અને લાંબા ગાળાનું નિયંત્રણ મળતું નથી અને અમુક સમય બાદ ફરીથી ઉપદ્રવ જોવા મળે છે, જેના કારણે ખેતી ખર્ચ વધે છે તથા પર્યાવરણ અને ઉપયોગી જીવજંતુઓને નુકસાન થાય છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ હેઠળ જીવામૃત, અગ્નીઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો દર ૧૫દિવસે નિયમિત છંટકાવ કરવાથી સફેદ માખી પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. તેમાં જીવામૃત ૨૦-૩૦ લિટર પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી છોડની તંદુરસ્તી સુધરે છે. તેમજ અગ્નીઅસ્ત્ર 4-૫લિટર પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવીને પાંદડાના ઉપર તથા ખાસ કરીને નીચેના ભાગ પર સારી રીતે છંટકાવ કરવો. તેમજ દશપર્ણીઅર્ક ૬લિટર પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવીને દર ૧૫દિવસે નિયમિત રીતે છંટકાવ કરવો. છંટકાવ સવારે વહેલી કે સાંજના સમયે કરવો વધુ અસરકારક રહે છે અને પાંદડાના નીચેના ભાગને સંપૂર્ણપણે ભીંજાય તે રીતે સ્પ્રે કરવો જરૂરી છે.
ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ઓછા ખર્ચે, પર્યાવરણમિત્ર અને ટકાઉ રીતે નાળિયેરી પાકમાં સફેદ માખીનું અસરકારક નિયંત્રણ મેળવી શકે છે. વધુ માહિતી માટે નજીકની કૃષિકચેરીનો સંપર્ક ટેલીફોન નં. : 02876- 220700 કરવા આત્મા, ગીર સોમનાથના પ્રોજેકટ ડાયરેક્ટર એ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ