
- ભરતગૂંથણની કલાથી આત્મનિર્ભર બન્યા વર્ષાબહેન વાણવી
ગીર સોમનાથ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં સ્થાનિક કારીગરો, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો, લોકલ ઉત્પાદકો તેમજ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે સૂત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં નગદુર્ગા મંદિર ખાતે સ્વદેશી મેળો યોજાયો છે. ‘લોકલ ફોર વોકલ’ની વિભાવનાને પ્રાધાન્ય આપતાં આ સ્વદેશી મેળામાં વાણવી વર્ષાબહેન તોરણ, રુમાલ, ઢિંગલી, થેલી, ખભા ચૂંદડી, ઘોડિયાના ઘૂઘરા જેવી હસ્તકલા અને ભરતગૂંથણની કલા ભરેલા ઉત્પાદનોથી આત્મનિર્ભર તરફ ડગ માંડી રહ્યાં છે.
સૂત્રાપાડાના વર્ષાબહેને જણાવ્યું હતું કે, સ્વદેશી મેળાથી નાના કારીગરોને પણ રાજ્ય સરકારે પ્રોત્સાહન આપ્યું છે. હું સાત વર્ષથી હસ્તકલા અને ભરતગૂંથણ સાથે જોડાયેલી છું. સરકાર તરફથી સ્વનિધિ યોજનામાં મને પહેલા દસ હજાર, પછી વીસ હજાર મળ્યા છે. જેમ જેમ વેચાણ વધતું જાય તેમ-તેમ સરકાર વધુ લોન પૂરી પાડશે.
સ્વદેશી મેળા, સરસ મેળા જેવા મેળા થકી અમે બહાર જઈને પણ અમારી તમામ વસ્તુઓનું વેચાણ કરી શકીએ છીએ. આમ કહી, વર્ષાબહેને સરકારે સરસ મેળા જેવી ઉત્તમ વ્યવસ્થા ગોઠવવા બદલ સૂત્રાપાડા નગરપાલિકા અને સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યકત્ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ