રાજ્યપાલનું અભિભાષણ, ગુજરાતના ‘પાસ્ટનો ફીડબેક’ અને ‘ફ્યુચરનો રોડમેપ’ છે: હર્ષ સંઘવી
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં રાજ્યપાલના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરવાની સાથે સરકારની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી


ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં રાજ્યપાલના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરવાની સાથે સરકારની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલનું સંબોધન એ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાના સંકલ્પનો પવિત્ર દસ્તાવેજ છે. રાજ્યપાલનું અભિભાષણ ગુજરાતના ‘પાસ્ટનો ફીડબેક’ અને ‘ફ્યુચરનો રોડમેપ’ છે.

નાયબ મુખ્યમંત્રીએ ભૂતકાળની સરખામણી કરતા જણાવ્યું હતું કે, 20મી સદીમાં કોંગ્રેસ શાસિત ગુજરાતની ઓળખ કરફ્યુ, કોમી રમખાણો અને ટેન્કર રાજ પૂરતી સીમિત હતી. વર્ષ 2001માં નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા બાદ રાજ્યમાં કાયમી શાંતિ સ્થપાઈ છે. આજે 'કરફ્યુ' શબ્દ ગુજરાતની ડિક્શનરીમાંથી ભૂંસાઈ ગયો છે અને રાજ્યની દીકરીઓ અડધી રાત્રે પણ નિર્ભયતાથી ફરી શકે છે. જે પથ્થરો ક્યારેક રમખાણોમાં ફેંકાતા હતા, આજે એ પથ્થરોનો ઉપયોગ વિશ્વકક્ષાની હોસ્પિટલો અને યુનિવર્સિટીઓના નિર્માણ માટે થઈ રહ્યો છે.

રાજ્ય સરકાર માટે ગરીબ એ વોટબેંક નથી પણ 'દરિદ્ર નારાયણ' છે તેમ જણાવતા સંઘવીએ કહ્યું કે, 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ ૭૫ લાખ પરિવારોના 3.18 કરોડ નાગરિકોને વિનામૂલ્યે અનાજ અપાઈ રહ્યું છે. 'વન નેશન વન રેશનકાર્ડ' યોજનાથી ગરીબો-શ્રમિકો ગમે ત્યાંથી અનાજ મેળવી શકે છે. ગુજરાતમાં 10 લાખથી વધુ લોકોને પાકા ઘર આપ્યા બાદ, આ વર્ષે વધુ 3.15 લાખ આવાસો આપવાનું લક્ષ્ય છે. 'આયુષ્માન ભારત-મા કાર્ડ' હેઠળ 2.72 કરોડ નાગરિકોને રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર સુલભ બનાવી છે.

યુવા વિકાસના આંકડા રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ તા.19 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતે 1,00,135 MSME યુનિટ્સ સર્ટિફાઈડ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત પાંચમી વાર 'બેસ્ટ પરફોર્મર' રહ્યું છે. વર્ષ 2024 થી 2033 દરમિયાન 26લાખથી વધુ સરકારી જગ્યાઓ ભરવાનું 10 વર્ષનું 'ભરતી કેલેન્ડર' જાહેર કરાયું છે. ડિસેમ્બર 2025 સુધીમાં 1268 ભરતી મેળાઓ દ્વારા 72,128 યુવાનોને રોજગારી મળી છે.

ખેડૂતો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, હવે ગુજરાતમાં ‘ટેન્કર રાજ’ નહીં પણ ‘નર્મદા રાજ’ છે. 'કિસાન સૂર્યોદય યોજના' દ્વારા દિવસે વીજળી અને 60 લાખ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન નિધિ' હેઠળ સન્માન સાથે સીધા નાણાં જમા થઈ રહ્યા છે. તાજેતરમાં જ કુદરતી આફત સમયે રાજ્ય સરકારે 11,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ આપી ખેડૂતોનો હાથ પકડ્યો છે અને સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી છે.

હર્ષ સંઘવીએ વિપક્ષના નકારાત્મક વલણની ટીકા કરતા ઉમેર્યું હતું કે, વિરોધ પક્ષ માત્ર ‘વિરોધની રાજનીતિ’ જાણે છે જ્યારે ભાજપ સરકાર ‘વિકાસની રાજનીતિ’ માં માને છે. ગુજરાતની વિકાસયાત્રા 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર સાથે અવિરત ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande