
અમરેલી,23 ફેબ્રુઆરી (હિ.સ.) ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સંચાલિત ‘જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ના વિદ્યાર્થીઓ દ્વારા 21 ફેબ્રુઆરી નિમિત્તે “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ”ની ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં દર વર્ષે આ દિવસ માતૃભાષાના મહત્વ અને ભાષાકીય વૈવિધ્યતાના સન્માન માટે ઉજવવામાં આવે છે.
આ અવસર પર શાળા પરિવાર દ્વારા માતૃભાષાના સંવર્ધન અને તેના પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તે માટે વિવિધ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ કાવ્યગાન, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ રજૂઆત અને લોકગીતોની સુંદર પ્રસ્તુતિ કરી હતી, જેને ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભારે સરાહના આપી હતી.
શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને માતૃભાષાનું જતન કરવાની અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધારવાની પ્રેરણા આપી હતી. સાથે જ ભાષા આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને ઓળખનું મહત્વપૂર્ણ માધ્યમ છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાની માતૃભાષા પ્રત્યે ગર્વની ભાવના મજબૂત બની અને ભાષાકીય વારસાનું સંરક્ષણ કરવાની સંકલ્પના સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai