જામનગરમાં 'ઓલા' સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ
જામનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : જામનગરમાં ''ઓલા'' ઇલેક્ટ્રિક સ્કૂટરના સર્વિસ સેન્ટરની કથળતી કામગીરી અને ગ્રાહકોની પરેશાનીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલા સર્વિસ સેન્ટરની અવ્યવસ્થાથી કંટાળેલા બે ગ્રાહકોએ શનિવારે (21મી ફ
ઓલા સ્કૂટર સર્વિસ સેન્ટર


જામનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : જામનગરમાં 'ઓલા' ઇલેક્ટ્રિક સ્કૂટરના સર્વિસ સેન્ટરની કથળતી કામગીરી અને ગ્રાહકોની પરેશાનીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલા સર્વિસ સેન્ટરની અવ્યવસ્થાથી કંટાળેલા બે ગ્રાહકોએ શનિવારે (21મી ફેબ્રુઆરી) ભારે હંગામો મચાવી, જાહેર રોડ પર પાર્ક કરેલા અન્ય સ્કૂટરોમાં તોડફોડ કરતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલું ઓલા સર્વિસ સેન્ટર છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં છે. ટેકનિકલ ખામીઓનું નિવારણ ન આવવું, મહિનાઓ સુધી વાહનો ધૂળ ખાઈ રહ્યા હોવા અને સ્ટાફ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા ગ્રાહકોની ધીરજ ખૂટી રહી હતી. આ જ અવ્યવસ્થાનો ભોગ બનેલા બે શખસોનો ગુસ્સો શનિવારે બેકાબૂ બન્યો હતો.

રિઝવાન અબ્દુલ સફિયા અને જયેન્દ્રસિંહ જાડેજા નામના બે ગ્રાહકો પોતાના વાહનના રિપેરિંગ માટે લાંબા સમયથી ધક્કા ખાઈ રહ્યા હતા. શનિવારે ફરી એકવાર યોગ્ય જવાબ ન મળતા બંને પિત્તો ગુમાવ્યો હતો. હતાશા અને અતિશય ગુસ્સામાં ભાન ભૂલેલા આ બંને શખસોએ સર્વિસ સેન્ટરની બહાર પાર્ક કરેલા અન્ય ગ્રાહકોના ઓલા સ્કૂટરોને રસ્તા પર પછાડીને તોડફોડ શરૂ કરી હતી. રસ્તા પર વાહનો ફગાવી દઈ હંગામો મચાવતા જોતજોતામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ સિટી બી. ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે હંગામો મચાવનાર રિઝવાન અને જયેન્દ્રસિંહની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. બંને શખસો નશાની હાલતમાં હોવાનું માલૂમ પડતા તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ ઓલા કંપનીની સર્વિસ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે જો કંપની સમયસર સેવા પૂરી પાડતી હોત તો આવી સ્થિતિ સર્જાત નહીં. જો કે, કંપનીમાં સર્વિસ માટે આવેલા અન્ય વાહનોમાં તોડફોડ કરવા અને કાયદો હાથમાં લેનારા આ ગ્રાહકો સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande