
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.). પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર હવાઈ હુમલો એક મોટી સફળતા હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં આશરે 70 આતંકવાદીઓ માર્યા ગયા. સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનની અંદર ત્રણ વિસ્તારોમાં સાત આતંકવાદી છાવણીઓ અને ઠેકાણાઓને નિશાન બનાવ્યા.
દુનિયા ન્યૂઝ અનુસાર, મંત્રી તલાલ ચૌધરીએ કહ્યું કે, એવા મજબૂત પુરાવા છે કે માર્યા ગયેલા મોટાભાગના આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિકો છે અને તે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અને દાએશ-ખોરાસાન જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા હતા. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાન લાંબા સમયથી આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે. પાકિસ્તાન તેના નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે તમામ પગલાં લઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે, ઇસ્લામાબાદે દાયકાઓથી લાખો અફઘાન શરણાર્થીઓને આશ્રય આપ્યો છે અને પોતાની સુરક્ષા અને આર્થિક પડકારોનો સામનો કરવા છતાં અફઘાનિસ્તાનને આર્થિક સહાય પૂરી પાડી છે. ચૌધરીએ અફઘાનિસ્તાનની વચગાળાની સરકાર પર 2020 દોહા કરાર હેઠળ તેના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો.
ચૌધરીએ કહ્યું, અફઘાનિસ્તાનની વચગાળાની સરકારે પોતાના વચનો પૂરા કર્યા નથી અને આતંકવાદને રોક્યો નથી. મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાને સુરક્ષા ચિંતાઓને દૂર કરવા માટે કાબુલ સાથે વિવિધ સ્તરે વાતચીત કરી છે. તેમણે દાવો કર્યો હતો કે, સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાનમાં બે ડઝનથી વધુ આતંકવાદી સંગઠનો કાર્યરત હોવાની જાણ કરી છે. નોંધનીય છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ તાજેતરનો તણાવ ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં હુમલાઓ બાદ ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ