ઈસ્કોનના સ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના, ગુજરાતી જીવનચરિત્ર વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારતીય આધ્યાત્મિકતા અને વૈદિક જ્ઞાનને વૈશ્વિક ફલક પર ગુંજતું કરનાર ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના પ્રેરણાદાયી જીવન પર આધારિત ગુજરાતી જીવનચરિત્ર વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ પુસ્તકનું ભવ્ય વિમોચન મુખ્યમંત્
વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન


વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન


ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારતીય આધ્યાત્મિકતા અને વૈદિક જ્ઞાનને વૈશ્વિક ફલક પર ગુંજતું કરનાર ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના પ્રેરણાદાયી જીવન પર આધારિત ગુજરાતી જીવનચરિત્ર વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ પુસ્તકનું ભવ્ય વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

આ પુસ્તક દેશના 'આધ્યાત્મિક રાજદૂત' શ્રીલ પ્રભુપાદજીના અસાધારણ સંઘર્ષ, તેમની વૈશ્વિક આધ્યાત્મિક યાત્રા અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે.

શ્રીલ પ્રભુપાદજીના પુસ્તક વિમોચન પ્રસંગે અભિનંદન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શ્રીલ પ્રભુપાદજીની યાત્રા સંઘર્ષોથી ભરેલી હતી, પરંતુ શ્રી કૃષ્ણ પરના તેમના અતૂટ વિશ્વાસે તેમને અપાર સફળતા અપાવી હતી. સામાન્ય માણસ જ્યારે મુશ્કેલીમાં હારી જાય છે, ત્યારે ભગવદગીતાના સંદેશ થકી મળેલ દ્રઢ વિશ્વાસ જ જીવનનો સાચો માર્ગ બતાવે છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, શ્રીલ પ્રભુપાદજીની 150મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડીને પ્રભુપાદજીના વૈશ્વિક પ્રભાવને સન્માનિત કરવામાં આવ્યો હતો.

આ પુસ્તકના લેખિકા ડો. ઉષાબેનને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડો. ઉષાબેને શ્રીલ પ્રભુપાદજીના જીવન ચરિત્રને ગુજરાતીમાં વર્ણવીને રાજ્યની જનતા સુધી તેમના પ્રભાવશાળી વિચારો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

શ્રીમદ ભગવદગીતામાં અપાયેલ સંદેશ વિશે વર્ણવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ઉત્કૃષ્ટ વ્યવહારિક જીવન જીવવા માટે ગીતાનો મહિમા અનિવાર્ય છે. શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે અધર્મનો નાશ નિશ્ચિત છે, આપણે માત્ર ધીરજ અને આંતરિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે. શ્રી રામના આચરણ અને શ્રી કૃષ્ણના વચનોને જીવનમાં ઉતારી મોક્ષ તરફનો રસ્તો સરળ બને છે.

તેમણે જણાવ્યું હતું કે, ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં ભૌતિકતા પાછળ દોડતા નાગરિકોને આધ્યાત્મિકતા તરફ વાળવાનું જે કાર્ય થયું છે તે અદભૂત છે. વિદેશી ભક્તો જે રીતે સર્વસ્વ ત્યાગીને કૃષ્ણ ભક્તિમાં લીન થાય છે, તે તેમના સંપૂર્ણ સમર્પણનો પુરાવો છે. આ પુસ્તક ગુજરાતના યુવાનોથી માંડીને દરેક પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આમ મુખ્યમંત્રીએ શ્રીલ પ્રભુપાદજીના વિરલ વ્યક્તિત્વ અને વિશ્વભરમાં કૃષ્ણ ભક્તિના પ્રસારમાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

ગ્લોબલ હરેકૃષ્ણ મૂવમેન્ટના કો–મેન્ટર અને વાઇસ ચેરમેન ચંચલાપતિ દાસે શ્રીલ પ્રભુપાદના જીવન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, 70 વર્ષની ઉંમરે, માત્ર 40 રૂપિયા સાથે કાર્ગો જહાજમાં અમેરિકા જઈને તેમણે હરે કૃષ્ણ મંત્રને વિશ્વવ્યાપી બનાવ્યો હતો. દરિયાઈ મુસાફરી દરમિયાન બે વાર હૃદયરોગના હુમલા સહન કરવા છતાં, ગુરુની આજ્ઞા પાળવા માટે તેઓ મક્કમ રહ્યા. તેમના પ્રયાસોથી જ વિશ્વભરમાં 108થી વધુ કૃષ્ણ મંદિરોની સ્થાપના થઈ છે.

આ પ્રસંગે તેમણે અક્ષયપાત્રના સેવાયજ્ઞ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોને યાદ કર્યા હતા. ગુજરાતમાં વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનએ ઇસ્કોનને ગુજરાતમાં સેવા કરવા નિમંત્રણ આપ્યું હતું. તેમણે ગાંધીનગરમાં એક સામાન્ય શેડમાં અક્ષયપાત્રના રસોડાનું ઉદ્ઘાટન કરી સ્વહસ્તે બાળકોને ભોજન પીરસીને આ સેવાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો.

આજે અક્ષયપાત્ર ગુજરાતના 5 સ્થળોએ દરરોજ 5 લાખ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે. સમગ્ર ભારતમાં આ આંકડો 23.5 લાખ બાળકો સુધી પહોંચ્યો છે. આ પુસ્તક દ્વારા ગુજરાતના નાગરિકો શ્રીલ પ્રભુપાદના સંઘર્ષમય જીવન અને ભક્તિ માર્ગની વધુ નજીક આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

આ પુસ્તકના લેખિકા ડૉ. ઉષા ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શ્રીલ પ્રભુપાદનું જીવન એ અપ્રતિમ સાહસ, ધૈર્ય અને માનવજાત પ્રત્યેની અસીમ કરુણાનું જીવંત ઉદાહરણ છે. તેમણે 69 વર્ષની જૈફ વયે પશ્ચિમની ભૌતિકતાવાદી સંસ્કૃતિમાં કૃષ્ણભક્તિના બીજ રોપ્યા હતા. તેમણે માત્ર ધર્મનો પ્રચાર જ ન કર્યો, પરંતુ વ્યસનોમાં ડૂબેલા યુવાનોને વૈદિક સંસ્કારો થકી એક નૈતિક સમાજની રચના કરી હતી. વિશ્વભરમાં 108 મંદિરોની સ્થાપના અને રશિયા કે આફ્રિકા જેવા વિષમ ભૌગોલિક અને રાજકીય વિસ્તારોમાં પણ 'હરે કૃષ્ણ' મહામંત્ર ગુંજતો કરવો એ તેમની અકલ્પ્ય સિદ્ધિ છે.

પ્રભુપાદે માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ ન આપ્યું, પણ 'અક્ષય પાત્ર' જેવી સેવા દ્વારા ભૂખ્યાને ભોજન કરાવી માનવતાનો સાચો ધર્મ શીખવ્યો છે. આજે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે, ત્યારે પ્રભુપાદે દાયકાઓ પહેલા જ એક 'આધ્યાત્મિક રાજદૂત' તરીકે ભારતની સનાતન સંસ્કૃતિને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરી હતી, તેમ તેમણે ઉમેર્યું હતું.

હરે કૃષ્ણ મૂવમેન્ટ, અમદાવાદ દ્વારા આયોજિત પુસ્તક વિમોચન પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર અમદાવાદના પ્રમુખ જગન્મોહન કૃષ્ણ દાસ, સાહિત્યકાર ભાગ્યેશ જહા સહિત વિદ્વાનો, શિક્ષણવિદો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande