
અમદાવાદ,23 ફેબ્રુઆરી (હિ.સ) બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેસર એરિયાનું નિર્માણ થયું છે, જે આગામી દિવસોમાં પૂર્વ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં હવામાન પર નોંધપાત્ર અસર કરે તેવી શક્યતા છે.હવામાન વિભાગે આપેલા ડિસ્ટ્રિક્ટ વાઈઝ નાઉકાસ્ટ વોર્નિંગ પ્રમાણે આજે 23મી ફેબ્રુઆરીના રોજ બપોરે એક વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં અને ગાંધીનગરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં આગામી 3 કલાક એટલે કે 11 વાગ્યા સુધી યેલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી
ભારતીય હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, આ ચક્રવાતી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહી છે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદ, સાબરકાંઠા, જૂનાગઢ અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તો હળવો વરસાદ પણ વરસ્યો છે. જ્યારે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી આપી છે.
હવામાન વિભાગે આપેલા ડિસ્ટ્રિક્ટ વાઈઝ નાઉકાસ્ટ વોર્નિંગ પ્રમાણે આજે 23મી ફેબ્રુઆરીના રોજ બપોરે એક વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે બપોરે એક વાગ્યા સુધીમાં જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં વીજળીના કડાકાભડાકા સાથે હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. (હવામાન વિભાગની બપોરે એક વાગ્યા સુધીની આગાહી)
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જિલ્લાના ડેડીયાપાડા સાગબારા સહિત રાજપીપલા શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ભળ શિયાળે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ છે. આંબા પર આવેલા મોર પણ ખરી જતા કેરી પણ મોંઘી થવાની ભીતિ છે.
સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ઘઉં,બટાકા, રાઈ, ચણા અને શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે અમદાવાદાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ખોખરા, નારોલ, નરોડા, નિકોલ, ઓઢવ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા.
રાજ્યનાં મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં હાલમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 33.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં તાપમાનનો પારો 34થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ગાંધીનગરમાં 33થી 34 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે. એકંદરે આ શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે અને વાતાવરણ સ્થિર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ