


પાટણ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘રાજમાતા નાયકાદેવી ખેલકૂદ મહોત્સવ-2026’નો વિધિવત પ્રારંભ થયો છે. ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ ડો. કે.સી. પોરિયા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ સહિત યુનિવર્સિટીના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની હાજરીમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપી મહોત્સવ ખુલ્લો મુકાયો હતો.
યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નિયામક ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું કે 100 કોલેજોમાંથી 78 કોલેજોના ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. એથ્લેટિક્સ હેઠળ દોડ, કૂદ અને ફેંક જેવી વિવિધ સ્પર્ધાઓમાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી રહ્યા છે.
આ વર્ષે એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝના બદલાયેલા માપદંડોને ધ્યાનમાં રાખી સિલેક્શન પ્રક્રિયા પણ સ્પર્ધાઓ સાથે જોડવામાં આવી છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આગામી વેસ્ટ ઝોન સ્પર્ધાઓ માટે પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી તેમને ઉચ્ચ સ્તરે રમવાની વધુ તક મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ