હોળી પૂર્વે સુરત રેલવે સ્ટેશનો પર ભીડ વધતા તંત્ર સતર્ક, ‘પેસેન્જર ફ્રેન્ડલી’ વ્યવસ્થાથી મુસાફરોને રાહત
સુરત , 23 ફેબ્રુઆરી (હિ.સ.) હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતથી પોતાના વતન તરફ જતા પરપ્રાંતીય મુસાફરોનો પ્રવાહ તેજ બન્યો છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ઉમટી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ આ વખતે ‘પેસેન્જર ફ્રેન્ડલી
હોળી પૂર્વે સુરત રેલવે સ્ટેશનો પર ભીડ વધતા તંત્ર સતર્ક


સુરત , 23 ફેબ્રુઆરી (હિ.સ.) હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતથી પોતાના વતન તરફ જતા પરપ્રાંતીય મુસાફરોનો પ્રવાહ તેજ બન્યો છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ઉમટી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ આ વખતે ‘પેસેન્જર ફ્રેન્ડલી’ અભિગમ અપનાવ્યો છે. કાળઝાળ ગરમીમાં મુસાફરોને તકલીફ ન પડે તે માટે સ્ટેશન પરિસરમાં વિશાળ મંડપો બાંધવામાં આવ્યા છે, જેના કારણે ભીડનું વ્યવસ્થાપન સરળ બન્યું છે.

માહિતી મુજબ, ગતરોજથી જ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોને તડકામાં ઉભા રહેવું ન પડે તે માટે શેડ અને મંડપની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને સીધા પ્લેટફોર્મ પર ભેગા થવા દેવાની બદલે મંડપમાં ક્રમબદ્ધ રીતે રાખવામાં આવે છે અને ત્યાંથી ટ્રેન પ્રમાણે રવાના કરવામાં આવે છે.

સુરક્ષા દૃષ્ટિએ પણ કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલવે સુરક્ષા દળ (RPF)ના 50 અને GRPના 40 જવાનો સ્ટેશન પર તહેનાત છે, જ્યારે આશરે 30 ચેકિંગ સ્ટાફ ભીડ નિયંત્રણમાં મદદ કરી રહ્યા છે. જનરલ ટિકિટ ધારકો માટે ‘લાઈનબંધી’ પદ્ધતિ અમલમાં મુકાતા ધક્કામુક્કી અને અફરાતફરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

તે ઉપરાંત મુસાફરો માટે પીવાના પાણી અને પ્રાથમિક સારવારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સતત એનાઉન્સમેન્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. રેલવે તંત્રની આગોતરી તૈયારીને કારણે મોટી સંખ્યામાં વતન જતા મુસાફરોને રાહત મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande