



- માનસિક ત્રાસના કારણે વાહન ચાલકનું હાર્ટ એટેકથી થયું મોત
- ખોટી રીતે હેરાન કરતા એકનું મૃત્યુ થતા 4 આરોપીઓની ધરપકડ કરાય
ભરૂચ 23 ફેબ્રુઆરી ( હિ.સ.) : ભરૂચ શહેરના રહાડપોર રોડ પર રિકવરી એજન્ટોની દાદાગીરીનો એક કરૂણ અને ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફાઈનાન્સ કંપનીના સીઝરો દ્વારા કરવામાં આવેલી ઉગ્ર બોલાચાલી અને માનસિક દબાણને કારણે એક 43 વર્ષીય આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે. આ મામલે એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચાર શખ્સોની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, ભરૂચના 43 વર્ષીય ઉર્વીશ બીપીન મોદી ગત રોજ રહાડપોર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ખાનગી ફાઈનાન્સ કંપની માટે કામ કરતા સીઝરોએ તેમને રસ્તામાં આંતર્યા હતા. ઉર્વીશભાઈના ટુ-વ્હીલર (એક્ટિવા) પર નંબર પ્લેટ નથી તેવું કારણ આગળ ધરીને સીઝરોએ તેમની સાથે તોછડું વર્તન શરૂ કર્યું હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સીઝરોએ તેમને રોકીને દબડાવવાનું શરૂ કર્યું હતું અને વાહન જપ્ત કરવાની ધમકી આપી માનસિક રીતે હેરાન કર્યા હતા. આ અચાનક આવી પડેલી આફત અને સીઝરોના ઉગ્ર વર્તનને કારણે ઉર્વીશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમને સ્થળ પર જ હૃદય રોગનો તીવ્ર હુમલો આવ્યો હતો. ગંભીર હાલતમાં ઢળી પડેલા ઉર્વીશભાઈનું કરૂણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ ભરૂચ એ-ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકના પરિવારજનો અને સ્થાનિકોના રોષને જોતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે મનુષ્ય વધ સમાન ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં યોગેશ બેલેરાવ,સંજુ વસાવા ,પ્રીતેશ રાણા અને ભાવેશ વસાવા છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રિકવરી એજન્ટો દ્વારા કાયદો હાથમાં લેવાની ઘટનાઓ વધી રહી છે. આર.બી.આઈ. (RBI) ની ગાઈડલાઈન મુજબ કોઈપણ રિકવરી એજન્ટ રસ્તા પર ચાલકને રોકીને ગેરવર્તણૂક કરી શકે નહીં, છતાં ભરૂચમાં સીઝરો બેફામ બન્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ ઘટનાને પગલે સમગ્ર ભરૂચ પંથકમાં સીઝરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો કડક પગલાંની માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો ન પડે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ