

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ગાંધીનગરના આંગણે આયોજિત 'વસંતોત્સવ'ની રંગીન સાંજે જ્યારે મણિપુરના ખ્યાતનામ 'થાંગ-ટા' નૃત્યની પ્રસ્તુતિ થઈ, ત્યારે સમગ્ર વાતાવરણ એક અનોખી ઉર્જાથી ભરાઈ ગયું હતું. વસંતની ખીલેલી પ્રકૃતિ અને લોકકળાઓ ના આ મિલનમાં, હાથમાં ચમકતી તલવાર અને ભાલા સાથેના કલાકારોના દાવપેચ કલારસિકો માટે અનોખા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નૃત્યની લયબદ્ધ ગતિ અને શસ્ત્રોના ખનખનાટે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંપરાગત સંગીતના તાલે રજૂ થયેલી આ માર્શલ આર્ટ્સની કળાએ સાબિત કર્યું કે, વસંત માત્ર સૌમ્યતાનો જ નહીં, પણ શૌર્ય અને જીવંતતાની ઉજવણીનો પણ ઉત્સવ છે. પ્રેક્ષકો માટે યુદ્ધકળા અને નૃત્યનું આ અદભૂત સંયોજન એક અવિસ્મરણીય લ્હાવો બની રહ્યું.ત્યારે ચાલો જાણીએ આ નૃત્યની વિશેષતાઓ.
મણિપુરની ધરતી માત્ર તેની પ્રાકૃતિક સુંદરતા માટે જ નહીં, પણ તેની શૌર્યપૂર્ણ સંસ્કૃતિ માટે પણ જાણીતી છે. આ સંસ્કૃતિનું સૌથી તેજસ્વી પાસું એટલે 'થાંગ-ટા'નૃત્ય.આ માત્ર એક નૃત્ય નથી, પરંતુ મણિપુરી માર્શલ આર્ટ્સ 'હુએન લેન્લોન' નો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે.
અહીં મણિપુરના આ ગૌરવશાળી નૃત્યની વિશેષતાઓની વાત કરવામાં આવે તો,થાંગ-ટા નૃત્ય શૌર્ય અને લયનો અદ્ભુત સંગમ છે.
'થાંગ-ટા' શબ્દનો અર્થ તેમના શસ્ત્રોમાં જ છુપાયેલો છે. મણિપુરી ભાષામાં 'થાંગ' એટલે તલવાર અને 'ટા' એટલે ભાલો. આ નૃત્ય કળામાં તલવાર અને ભાલાનો ઉપયોગ અત્યંત કુશળતાપૂર્વક કરવામાં આવે છે.
ઐતિહાસિક મહત્વ
પ્રાચીન સમયમાં જ્યારે મણિપુરના રાજાઓને પડોશી રાજ્યો સાથે યુદ્ધ કરવું પડતું, ત્યારે સૈનિકોને સ્વરક્ષણ અને આક્રમણ માટે તૈયાર કરવા આ કળા વિકસાવવામાં આવી હતી. 19મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન આ કળા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ મણિપુરી લોકોએ તેને પરંપરાગત નૃત્ય તરીકે જીવંત રાખી.
થાંગ-ટા નૃત્ય પ્રદર્શનની શૈલી
થાંગ-ટામાં શારીરિક હિલચાલ ખૂબ જ ઝડપી અને લયબદ્ધ હોય છે. તેના મુખ્ય ત્રણ પ્રકારો જોવા મળે છે,
પ્રથમ ધાર્મિક પ્રદર્શન જે મંદિરો કે ધાર્મિક વિધિઓ સાથે જોડાયેલું છે. બીજું યુદ્ધ પ્રદર્શન જેમાં ખરેખર લડાઈના દાવપેચ બતાવવામાં આવે છે.અને ત્રીજું નૃત્ય પ્રદર્શન જે મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રજૂ કરવામાં આવે છે.
આ નૃત્યમાં માત્ર તલવાર અને ભાલો જ નહીં, પણ અન્ય સાધનોનો પણ ઉપયોગ થાય છે
આ નૃત્યમાં શ્વાસ લેવાની પ્રક્રિયા ખૂબ મહત્વની છે, જે કલાકારને લાંબા સમય સુધી ઉર્જાવાન રાખે છે. તીક્ષ્ણ શસ્ત્રો સાથે રમતી વખતે સહેજ પણ ભૂલ જીવલેણ બની શકે છે, તેથી આમાં ગજબની એકાગ્રતા જોઈએ છે. આ પ્રદર્શનમાં 'પેના' એટલે કે પરંપરાગત વાદ્ય અને મણિપુરી ઢોલનો ઉપયોગ થાય છે, જે વાતાવરણમાં જોમ ભરી દે છે.
ગાંધીનગર વસંતોત્સવમાં પ્રસ્તુત થઈ રહેલું 'થાંગ-ટા' એ માત્ર મણિપુરનું જ નહીં પણ ભારતનું એક અમૂલ્ય સાંસ્કૃતિક રતન છે. તે શક્તિ, શિસ્ત અને સાહસનું પ્રતીક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ માર્શલ આર્ટ અને નૃત્ય શૈલીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.થાંગ-ટા શીખવનાર ગુરુઓને મણિપુરમાં ખૂબ જ આદર આપવામાં આવે છે અને આ વિદ્યા શીખવાની શરૂઆત 'ગુરુ દક્ષિણા' અને પ્રાર્થનાથી થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ