

પાટણ, 23 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરોએ એપસ્ટિન ફાઈલ મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા અને હાઈવે પર બેસી જતાં ચક્કાજામ સર્જાયો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
આ પ્રદર્શન ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન કરવાના જવાબમાં યોજાયું હતું. યુથ કોંગ્રેસે પણ પૂતળા દહનનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, પરંતુ પોલીસે સમયસર પહોંચી પાંચથી વધુ કાર્યકરોની અટકાયત કરી અને પૂતળા દહન અટકાવ્યું. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
યુથ કોંગ્રેસના પ્રમુખે પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરતાં બેવડી નીતિનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભાજપના કાર્યક્રમોમાં કાર્યવાહી થતી નથી, જ્યારે કોંગ્રેસના કાર્યક્રમોમાં તાત્કાલિક અટકાયત થાય છે. કોંગ્રેસે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ