
- કંટ્રોલરૂમથી મનપા-પોલીસ કમિશનરનું મોનિટરિંગ
રાજકોટ,23 ફેબ્રુઆરી (હિ.સ) રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજકોટના ઈતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન માનવામાં આવી રહ્યું છે. 312 કરોડની કુલ 87,000 ચો.મી. જગ્યા ખાલી કરાવાશે.
જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજકોટના ઈતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન માનવામાં આવી રહ્યું છે, જેમાં કુલ 1400થી વધુ મિલકતો તોડી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કામગીરીને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં આજે શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારી, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ ઓપરેશનમાં 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે.
સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તહેનાત છે અને શહેરના તમામ આઈ.એ.એસ. તથા આઇ.પી.એસ. અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. જુદી-જુદી 7 ટીમની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટમાં અંદાજીત રૂ. 312 કરોડની કુલ 87,000 ચો.મી. જગ્યા ખાલી કરાવાશે. આજી રિવરફ્રન્ટ અને ટીપીનાં રોડને કારણે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. છેલ્લા 50 કરતા વધુ વર્ષોથી લોકો અહીં વસવાટ કરતા હતા. જંગલેશ્વરમાં શરૂઆતમાં કાચા ઝૂંપડા હતા ત્યાં હવે મકાન બની ગયા છે. કોર્પોરેશન અને કલેક્ટર બંનેની જગ્યા ઉપર દબાણ હતું. કલેક્ટર તંત્રના ડિમોલિશન સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો. મનપા તંત્રની કાર્યવાહી સામે સ્ટે નહીં મળતા પ્રક્રિયા આગળ વધી છે.
રાજકોટ શહેર ડીસીપી ઝોન-1 હેતલ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટના આજી નદી કાંઠા વિસ્તારમાં આજે સવારથી ડિમોલિશન પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે નહિં તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તમામ સાત ઝોનમાં મુકવામાં આવ્યો છે. બે દિવસની અંદર લોકો સ્વૈચ્છિક પોતાની જાતે દબાણો દૂર કરવા સહકાર આપી મકાન ખાલી કરી રહ્યા છે. તંત્રની કડક કાર્યવાહી અને અગાઉ અપાયેલી સૂચનાઓને પગલે અત્યાર સુધીમાં 732 જેટલી મિલકતોના ધારકોએ સ્વેચ્છાએ પોતાની મિલકતો ખાલી કરી દીધી છે. આજે સંપૂર્ણ વિસ્તારમાં શાંતિ પૂર્ણ માહોલમાં ડિમોલિશન પ્રક્રિયા ચાલુ છે.
સોશિયલ મીડિયા ઉપર મોનિટરિંગ પણ થઇ રહ્યું છે અને જે લોકો શાંતિ ડહોળવા પ્રયાસ કરે તેવું લાગતું હતું તેવા શંકાસ્પદ લોકોને ગઈકાલે રાત્રે ડિટેઇન કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન વન અને ઝોન ટુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ સાત ઝોનમાં ફૂટ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ