


પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન કેબિનેટ મંત્રીએ મોડેલ સ્કૂલ સહિતની શાળાઓ માટે જમીન માગણી અને તેની કાર્યવાહી, જુના ગામતળની માપણી, એરપોર્ટ, નવા રિવરફ્રન્ટ તેમજ રોડ-રસ્તા જેવા વિકાસ કામોની અસરકારક અમલવારી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીએ વિકાસ કામો ઝડપથી આગળ વધે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને પ્રાકૃતિક ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે પ્રાકૃતિક અનાજ તથા શાકભાજીનો ઉપયોગ વધારવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં વિકાસ કામોની હાલની કાર્યવાહી અંગે સમીક્ષા, સંસદસભ્ય તથા ધારાસભ્યોના પત્રો અંગે ચર્ચા, સી.એમ. ડેશબોર્ડના કે.પી.આઈ., નોન-પ્લાન રસ્તાઓ તેમજ અન્ય કચેરીઓની રજૂઆતોની સમીક્ષા સાથે સંકલન સમિતિના પત્રકો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક ઋતુબેન રાબા, પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya