

પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિ અંગે સમીક્ષા કરવા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી આ બેઠક મહાનગરપાલિકાના સભાખંડ ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
આ બેઠકમાં શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે હેતુથી ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગાર્ડન, ભૂગર્ભ ગટર યોજના, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ, વોટર સપ્લાય માટે નવી પાણીની લાઈનો, ટોયલેટ બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ કામોની હાલની સ્થિતિ, પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે કેટલાક કામોમાં આવતી અડચણો અને તેને દૂર કરવા માટે જરૂરી સૂચનો પણ નાયબ કમિશનર દ્વારા આપવામાં આવ્યા હતા. નાયબ કમિશ્નર મનન ચતુર્વેદીએ મહાનગરપાલિકા બન્યા બાદ હાથ ધરાયેલ વિકાસના કામો ગુણવત્તાયુક્ત કરી, સમયમર્યાદામાં પૂર્ણ કરવા સમીક્ષા કરી હતી અને નાયબ કાર્યપાલક ઇજનેરો તથા વોર્ડ ઈજનેરોને સંકલનમાં રહી તમામ કામગીરી પર દેખરેખ રાખવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, સંબંધિત કોન્ટ્રાક્ટરો, પીએમસી, ટીપીઆઈ તેમજ મહાનગરપાલિકાની એન્જિનિયર બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે સતત સમીક્ષા કરીને કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આવનારા સમયમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya