
અમદાવાદ,24 ફેબ્રુઆરી (હિ.સ.) અમદાવાદ સીટીએમ પાસે એએમસી દબાણની ગાડીવાળા દબાણ હટાવવા બાબતે ફેરિયા વચ્ચે ઘર્ષણ થયું.
અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે મ્યુનિ. કોર્પોરેશનની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. લારી ચલાવી ગુજરાન ચલાવતા એક યુવકની લારી ઉપાડતી વખતે એસ્ટેટ વિભાગના કર્મચારીઓએ તેની છત્રી લઈ લીધી હતી. જ્યારે ફેરિયાએ પોતાની છત્રી પરત માંગી, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો અને આવેશમાં આવેલા એસ્ટેટના કર્મચારીએ છત્રીનો લોખંડનો સળિયો ફેરિયાની પીઠના ભાગે મારી દીધો હતો. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ઈજાગ્રસ્ત ફેરિયાને તાત્કાલિક 108 મારફતે એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ, મામલો બિચકતા દબાણની ગાડીના અન્ય કર્મચારીઓ વાહન લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોએ બે કર્મચારીઓને પકડીને પોલીસને સોંપ્યા હતા. કંટ્રોલ રૂમમાં જાણ કરાતા રામોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે આવીને બંને એએમસીના કર્મચારીને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક વેપારી અને લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ કિરણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે. એક બાજુ સરકાર લારી ગલ્લા વાળાને 10 હજાર અને 20 હજારની લોન આપીને પગભર કરવા માટેની વાતો કરે છે, અને બીજી બાજુ એસ્ટેટ વિભાગ દ્વારા એવી હેરાનગતિ કરવામાં આવે છે કે જેનાથી ગરીબ માણસ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે.
કિરણ પ્રજાપતિએ કહ્યું કે, આજે જે ઘટના બની તેમાં એક માનસિક અસ્થિર અને અનાથ યુવક, જે બટાકાની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, તેને એસ્ટેટ વિભાગના માણસોએ ત્યાંથી લારી હટાવવાનું કહ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ