
પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર વિજય ઓડેદરાએ ચોક્કસ પ્રકારના સ્ટેમ્પ બનાવીને રાખ્યા છે અને જયારે દર્દીઓ આવે છે ત્યારે ડોક્ટર દવા હાથેથી લખીને આપવાને બદલે તે સ્ટેમ્પ લગાવીને આપતા હોવાની સામાજિક અગ્રણી બાબુભાઈ પાંડાવદરાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.
સામાજિક અગ્રણી બાબુ પાંડાવદરાએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે પોરબંદરની એક માત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર વિજય ઓડેદરા દર્દીઓને દવાના કાગળ ઉપર દવાઓ હાથેથી લખવાને બદલે તેઓએ બનાવેલા ચોક્કસ પ્રકારના સિક્કો મારી દે છે તથા આ પ્રકારની પરિસ્થિતિને લીધે ઘણા દર્દીઓને સરખી દવાઓ આપી દેવામાં આવે છે. વધુમાં બાબુભાઈએ જણાવ્યું હતું કે, વ્યક્તિગત તાસીર અલગ-અલગ હોય છે અને દર્દીઓને જરૂરિયાત પ્રમાણે દવા આપવાની હોય છે પરંતુ ડો. વિજય ઓડેદરા દ્વારા મોટાભાગના દર્દીઓને સિક્કો મારીને સીધે સીધી દવા આપી દેવામાં આવે છે.
જેમાં બિનજરૂરી દવા લેવાથી કિડની અને લીવરમાં નુક્સાન થાય છે. જેથી બાબુ પાંડાવદરાએ બેદરકારી બદલ ડોક્ટર સામે પગલાં લેવા માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya