
ભાવનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા ના મોટી પાણીયાળી ગામની પ્રતિભાશાળી તરવૈયા અર્ચનાબા બી વાળાએ રાજ્ય કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં એક જ દિવસે બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યભરના ખેલાડી હોય ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં અર્ચનાબાએ 100 મીટર ફ્રી સ્ટાઇલ અને 50 મીટર ફ્રી સ્ટાઇલ એમ બે અલગ-અલગ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બંનેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.બંને સ્પર્ધાઓ એક જ દિવસે યોજાઈ હતી, છતાં અર્ચનાબાએ ધીરજ,આત્મવિશ્વાસ અને મજબૂત તૈયારીના બળ પર આ સિદ્ધિ હાંસલ કરી હતી.અર્ચનાબા હાલ ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે.નાનપણથી જ તેમને રમતગમત પ્રત્યે વિશેષ રસ હતો.તેમની સફળતા પાછળ તેમના કોચ પ્રીતમભાઈ પટેલ અને ટ્રેનર દિપેનભાઈનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે. નિયમિત તાલીમ, ટેકનિકલ સુધારા અને માનસિક તૈયારી માટે બંનેએ સતત માર્ગદર્શન આપ્યું હતું. અર્ચનાબા રોજબરોજ બે થી ત્રણ કલાક સુધી કઠોર પ્રેક્ટિસ કરતા હતા.માત્ર શૈક્ષણિક દિવસોમાં જ નહીં પરંતુ વેકેશન દરમિયાન પણ તેઓએ પોતાની પ્રેક્ટિસમાં શરૂ રાખતા હતા. આ ઉપરાંત અત્યાર સુધીમાં અનેક સ્થાનિક અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ સન્માનપત્રો, ટ્રોફીઓ અને મેડલો પ્રાપ્ત કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT