
વલસાડ,24 ફેબ્રુઆરી (હિ.સ.) સગીરા પર દુષ્કર્મકેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે ત્યારે આસારામ બાપુએ વલસાડ શહેરમાં સાધકોનાં ઘરે-ઘરે જઈ મુલાકાત લીધી.
વલસાડ શહેરના સરદાર હાઇટ્સ બિલ્ડિંગ, પાલીહિલ, પ્રમુખ પાર્ક, ભકગડાવાડા, રામજી મંદિર પાછળ, કોસંબા રણછોડજી મંદિર પાછળ સહિતના વિસ્તારોમાં સાધકોનાં ઘરે-ઘરે જઈને આસારામે મુલાકાત લીધી હતી, જોકે આ દરમિયાન મીડિયાને કવરેજ કરતાં અટકાવવામાં આવ્યા હતા.
સાધકોએ મીડિયાકર્મીનો મોબાઈન છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ રીતે આવવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષે તેની એન્ટ્રી થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ