
ભાવનગર 24 ફેબ્રુઆરી (હિ.સ.) રેલ સંરક્ષા પ્રત્યે ઉત્કૃષ્ટ સતર્કતા, કર્તવ્યનિષ્ઠા અને ત્વરિત નિર્ણયક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતાં ભાવનગર મંડળના કર્મચારીઓએ સમયસર કાર્યવાહી કરીને સંભાવિત રેલ દુર્ઘટનાઓને ટાળી સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત કર્યું છે. કર્મચારીઓના આ પ્રશંસનીય અને અનુસરણયોગ્ય યોગદાન બદલ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (પ્રભારી) પ્રદીપ કુમાર દ્વારા મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવે મુખ્યાલય ખાતે યોજાયેલા સમારોહમાં ભાવનગર મંડળના ત્રણ કર્મચારીઓને “મેન ઓફ ધ મન્થ” (જાન્યુઆરી–2026) સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પુરસ્કાર વિતરણ સમારોહ તારીખ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવે મુખ્યાલયમાં યોજાયો હતો.
સન્માનિત કર્મચારીઓમાં શ્રી મો. તૈયબ (ટ્રેક મેન્ટેનર–IV, ધોળા જંકશન), કેતન એમ. ડેર (વરિષ્ઠ ગાડી પ્રબંધક, જેતલસર જંકશન) તેમજ શ્રી રવિન્દ્ર કુમાર (ટ્રેક મેન્ટેનર–IV, લોલિયા)નો સમાવેશ થાય છે, જેમણે પોતાની સતર્કતા અને જવાબદાર કામગીરી દ્વારા રેલ સંચાલનની સંરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર જાન્યુઆરી–2026 મહિનામાં સમગ્ર પશ્ચિમ રેલવે થી કુલ 12 રેલ કર્મચારીઓની પસંદગી આ પ્રતિષ્ઠિત સંરક્ષા સન્માન માટે કરવામાં આવી હતી, જેમાં ભાવનગર મંડળના ત્રણ કર્મચારીઓને તેમની અસાધારણ સતર્કતા અને ઉત્તમ કાર્યનિષ્ઠા બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા. આ કર્મચારીઓની જાગૃતતાથી બ્રેક બાઇન્ડિંગ, ટ્રેકમાં ખામી તથા રેલ ફ્રેક્ચર જેવી ગંભીર સંરક્ષા સંબંધિત ઘટનાઓ સમયસર અટકાવી શકાયી, જેના કારણે રેલ સંચાલન સુરક્ષિત અને નિર્વિઘ્ન રહ્યું.
તારીખ 29 જાન્યુઆરી, 2026ના રોજ મો. તૈયબે ગાડી સંખ્યા 09208 ભાવનગર ટર્મિનસ–બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસના નિરીક્ષણ દરમિયાન ગેટ નંબર 176/સી નજીક કોચના પૈડાંમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. તેમણે તરત જ સ્ટેશન માસ્ટરને જાણ કરી ટ્રેન રોકાવી હતી. તપાસ દરમિયાન ‘બ્રેક બાઇન્ડિંગ’ હોવાની પુષ્ટિ થતાં સમયસર ખામી દૂર કરી સંભાવિત દુર્ઘટનાને ટાળી શકાઈ.
તે જ રીતે તારીખ 5 જાન્યુઆરી, 2026ના રોજ શ્રી કેતન એમ. ડેરે વંદે ભારત એક્સપ્રેસ (ગાડી સંખ્યા 26901)માં મુસાફરી દરમિયાન શાપુર–લુશાળા રેલખંડ વચ્ચે અસામાન્ય ઝટકો અનુભવતા તરત જ માહિતી આપી હતી.
તપાસ દરમિયાન એસડબ્લ્યુઆર સેક્શનમાં ‘લો જોઇન્ટ’ મળી આવતાં ગતિ મર્યાદા 75 કિમી પ્રતિ કલાકથી ઘટાડીને 45 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી અને સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું.
તારીખ 3 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે ટ્રેક પેટ્રોલિંગ દરમિયાન રવિન્દ્ર કુમારે કિલોમીટર 100/4–5 વચ્ચે રેલ ફ્રેક્ચર શોધી કાઢ્યું. તેમણે તરત જ ઇમરજન્સી જોઇન્ટ પ્લેટ લગાવી ટ્રેકની તાત્કાલિક મરામત કરી અને ટ્રેનોને નિયંત્રિત ગતિએ સુરક્ષિત રીતે પસાર કરાવી સંભાવિત દુર્ઘટના ટાળી.
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સન્માનિત કર્મચારીઓની તત્પરતા, સતર્કતા અને સમર્પણની પ્રશંસા કરતાં જણાવ્યું કે રેલ સંરક્ષા દરેક રેલકર્મીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આવી ઘટનાઓ કર્મચારીઓની વ્યાવસાયિક કુશળતા અને સંરક્ષા સંસ્કૃતિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવા સન્માન કર્મચારીઓને ભવિષ્યમાં પણ ઉત્તમ સેવા અને સતર્ક કાર્યપ્રણાલી માટે પ્રેરિત કરશે તથા ભારતીય રેલવેની સંરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ