
જામનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) :
જામનગર જિલ્લામાં દીકરીઓના સશક્તિકરણ અને સામાજિક જાગૃતિ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત 'બાલિકા પંચાયત'ના અસરકારક અમલીકરણ માટે જામનગરની માનસિક આરોગ્ય હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ માટેની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા કલેક્ટર અને યોજનાના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તાલીમાર્થીઓને સંબોધતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, બાલિકા પંચાયત એ દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને તેમને નિર્ણય પ્રક્રિયામાં સહભાગી બનાવવાનું એક ઉત્તમ માધ્યમ છે. તેમણે દીકરીઓના સર્વાંગી વિકાસ અને સામાજિક સમાનતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, તાલીમાર્થીઓએ આ યોજનાના ઉદ્દેશ્યોને છેવાડાના ગામ સુધી પહોંચાડી દીકરીઓને સશક્ત બનાવવી જોઈએ.
તાલીમ કાર્યક્રમના સમાપન અવસરે ડેપ્યુટી મેયરશ્રીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે બાલિકા પંચાયત સ્તર સુધી તાલીમના માધ્યમથી સશક્તિકરણના પ્રયાસોને વેગ આપવા બદલ મહિલા અને બાળ અધિકારી કચેરીની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, જ્યારે દીકરી સશક્ત બનશે ત્યારે જ સમાજ સાચા અર્થમાં સશક્ત બનશે.
કન્યા કેળવણી, જાતિ પ્રમાણમાં સુધારો અને કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધે તે માટે આ તાલીમ દ્વારા તૈયાર થયેલા માસ્ટર ટ્રેનર્સ હવે ગ્રામ્ય કક્ષાએ બાલિકા પંચાયતના સભ્યોને માર્ગદર્શન આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt