સુરતના સહારા દરવાજા પાસે જય શ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં આગ, લાખોનું નુકસાન
સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-શહેરના કાપડ ઉદ્યોગના કેન્દ્ર ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ જય શ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં આજે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટના ટેરેસ પર આવેલા ગોડાઉનમાં લાગેલી આગમાં લાખો રૂપિયાનો કાપ
સુરતના સહારા દરવાજા પાસે જય શ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં આગ


સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-શહેરના કાપડ ઉદ્યોગના કેન્દ્ર ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ જય શ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં આજે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટના ટેરેસ પર આવેલા ગોડાઉનમાં લાગેલી આગમાં લાખો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.

માહિતી મુજબ આગની શરૂઆત માર્કેટના છઠ્ઠા માળે આવેલા ટેરેસ ગોડાઉનમાંથી થઈ હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. ટેરેસને પતરાંથી બંધ કરવામાં આવ્યું હોવાથી ધુમાડો બહાર નીકળી શકતો ન હતો, જેના કારણે ફાયર ટીમને અંદર પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.

ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. માનદરવાજા, ડુંભાલ, ઘાંચી શેરી, કતારગામ અને પુણા સહિતના વિસ્તારોમાંથી 18થી વધુ ફાયર ફાઈટર ગાડીઓ પહોંચાડી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફાયર જવાનો દ્વારા ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગને અન્ય માળ અને દુકાનોમાં ફેલાતી અટકાવવામાં આવી હતી. લગભગ દોઢ કલાકની ભારે મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.

હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કુલિંગની કામગીરી ચાલુ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો કાપડનો જથ્થો સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, બપોરે લગભગ 12:15 વાગ્યે કોલ મળતાં પ્રાથમિક રીતે ત્રણ ફાયર સ્ટેશનની ટીમોને મોકલવામાં આવી હતી. સ્થળ પર પહોંચતા જ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સહિત વધારાની ટીમો મોકલી કામગીરી તેજ બનાવવામાં આવી હતી. પતરાં કાપીને અંદર પ્રવેશ મેળવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande