

પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ ખાતે “ટી.બી. મુક્ત ભારત અભિયાન” અંતર્ગત 700 ટી.બી. દર્દીઓને વિનામૂલ્ય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ), મહેસાણા દ્વારા કોર્પોરેટ સામાજિક દાયિત્વ (CSR) હેઠળ તથા શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો. જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં તેમના હસ્તે દર્દીઓને કીટ આપવામાં આવી.
જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે જણાવ્યું કે ભારત સરકાર ટી.બી.ના સંપૂર્ણ નિર્મૂલન માટે વ્યાપક અભિયાન ચલાવી રહી છે. વર્ષ 2024 દરમિયાન જિલ્લામાં નોંધાયેલા આશરે 4000 દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ નિયમિત સારવાર અને પોષણ સહાયથી ટી.બી.મુક્ત બન્યા છે. તેમણે જણાવ્યું કે ટી.બી. અસાધ્ય રોગ નથી અને સંપૂર્ણ સમયગાળા સુધી દવાઓ લેવાથી તે સંપૂર્ણ મટી શકે છે.
આ ઉપરાંત પાટણ જિલ્લાની 123 ગ્રામ પંચાયતોને ટી.બી.મુક્ત જાહેર કરવામાં આવી છે અને હવે તમામ 486 ગ્રામ પંચાયતોને ટી.બી.મુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવી સરકારની મફત સારવાર અને પોષણ કીટનો લાભ લેવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમમાં યુજીવીસીએલ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ, ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ