
સોમનાથ,24 ફેબ્રુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓને તેમના કાનૂની હક્કો વિશે જાગૃત કરવા અને સુરક્ષિત કાર્યસ્થળ માટે માર્ગદર્શન પૂરું પાડવાનાં હેતુથી અંબુજા ફાઉન્ડેશન કોડીનાર ખાતે“કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ–2013 અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલ રાઠોડ દ્વારા જાતિય સતામણી અંગેની વિવિધ કાયદાકીય જોગવાઈઓ તેમજ આજના ટેક્નોલોજીના યુગમાં સોશિયલ મીડિયામાં AI ઉપયોગથી થતી જાતિય સતામણી અને તેના દુષ્પરિણામો અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરાલીગલ વોલિન્ટર પ્રકાશભાઈ મકવાણા દ્વારા કાયદાની વિવિધ કલમો અને જોગવાઈઓ તેમજ મહિલાઓને મળતી મફત કાનૂની સહાય વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી.
સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક રસીલા કરગઠીયા દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દીકરી યોજના મહિલા સ્વાલંબન યોજના વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ સખી વન સ્ટોપ સેન્ટરની વિગતે માહિતી કેશ વર્કર કિંજલ બેન મકવાણા દ્વારા આપવામાં આવી હતી.
આ ઉપરાંત, અભયમ મહિલા હેલ્પલાઇન કાઉન્સેલર દ્વારા 181 વિશે તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર દ્વારા પી.બી.એસ.સી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.
આ સેમીનારમાં પ્રિન્સિપાલ માવજીઈ પરમાર ,સિનિયર એક્ઝિક્યૂટિવ દિલીપ ભાઈ વાળા, પ્લેસમેન્ટ ઓફિસર ઇન્દ્રજીત વાળા, સખી વન સ્ટોપ સેન્ટર, pbsc 181 અભયમ કર્મચારીઓ તથા અંબુજા ફાઉન્ડેશન ટ્રેનિંગ લેતી વિદ્યાર્થિનીઓ અને ફાઉન્ડેશન સ્ટાફ હાજર રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ