ઉનાઈ ઉત્સવ 2026નો ભવ્ય શુભારંભ, ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો મેળાવડો
નવસારી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ પવિત્ર શ્રી ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં આજથી ઉનાઈ ઉત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો હતો. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર નવસારીના સંયુક
ઉનાઈ ઉત્સવ 2026નો ભવ્ય શુભારંભ


ઉનાઈ ઉત્સવ 2026નો ભવ્ય શુભારંભ


નવસારી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ પવિત્ર શ્રી ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં આજથી ઉનાઈ ઉત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો હતો. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર નવસારીના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ ઉત્સવે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ સર્જ્યો હતો.

ઉત્સવના 14મા પાટોત્સવના અવસરે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિવત દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીએ સૌને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે ઉનાઈ માતાજીનું મંદિર પૌરાણિક મહત્વ ધરાવતું આસ્થાનું પવિત્ર કેન્દ્ર છે અને આપણી સાંસ્કૃતિક ઓળખનું પ્રતિક છે.

ઉત્સવના પ્રથમ દિવસે માતાજીની આરાધના અને ભાવવંદના સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભક્તજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ડાંગી નૃત્ય, રામાયણ નૃત્ય, લોકડાયરો, ડાકલા અને ફ્યુઝન ડાન્સ જેવી રંગારંગ રજૂઆતો સાથે સંગીતની મધુર સૂરાવલી ગુંજી ઉઠી હતી. ખાસ કરીને માતાજીની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે પ્રાંત અધિકારી, વાંસદા, જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત અનેક અધિકારીઓ, પદાધિકારીઓ, કલાકારો અને વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.બે દિવસીય આ ઉત્સવમાં આવતીકાલે પણ અનેક આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગરબા, શાસ્ત્રીય નૃત્ય, તલવાર રાસ, ડાક-ડમરુ અને લોક સંગીત મુખ્ય આકર્ષણ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande