
મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા રૂ. 04,08,053 કરોડના ઐતિહાસિક બજેટને મહેસાણા લોકસભા બેઠકના સાંસદ હરિભાઈ પટેલે આવકારતા તેને સર્વાંગી વિકાસલક્ષી અને તમામ વર્ગોને આવરી લેતું બજેટ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર દ્વારા સમાજના નાના થી નાના વર્ગના કલ્યાણ માટે સ્પષ્ટ રોડમેપ સાથે આ બજેટમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.
સાંસદ હરિભાઈ પટેલે ખાસ કરીને યાત્રાધામ બહુચરાજીના નવ નિર્માણ અને અન્ય યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે રૂ. 55 કરોડની ફાળવણીને મહત્વપૂર્ણ પગલું ગણાવી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ફાળવણીથી ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે.
આ ઉપરાંત બજેટમાં નારી શક્તિના સશક્તિકરણ, સરકારી આવાસ યોજનાઓને વેગ, નવી આંગણવાડી, નિગમોના વિકાસ તેમજ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને વિનામૂલ્યે અનાજ જેવી અનેક લોકકલ્યાણકારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ સાથે સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે દિશાદર્શક સાબિત થશે તેવી આશા હરિભાઈ પટેલે વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR