
ભાવનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.)સમાજમાં અશક્ત અને અસહાય વર્ગના લોકો માટે સહાયરૂપ બનવું એ સાચી માનવસેવા છે. એ જ ભાવનાથી પ્રેરાઈને માતૃ ભક્તિ સેવા મંડળ દ્વારા દર મહિને ૧૧૦ વિધવા માજીઓને જીવન જરૂરિયાતની કીટનું નિયમિત વિતરણ કરવામાં આવે છે. આ સેવાકાર્ય માત્ર અનાજનું વિતરણ નથી, પરંતુ અનેક માતાઓના ચહેરા પર ખુશીના સ્મિત લાવવાનો એક પવિત્ર પ્રયત્ન છે.
વિતરણ થતી કીટમાં 5 કિલો ઘઉંનો લોટ (પેકિંગમાં), 1 લિટર સીંગતેલની બોટલ, 1.25 કિલો ખીચડી, 250 ગ્રામ ચા, 250 ગ્રામ જીણાગાઠીયાનું પેકેટ, 1 કિલો ખાંડ, 1 બિસ્કીટ પેકેટ, 1 ખાખરાનું પેકેટ, 1 મોટું ટોસ પેકેટ, 1 મોટું ખારી પેકેટ, 1 સેવ મમરાનું પેકેટ તેમજ 1 નંગ વસ્તુ ભરવાનો થેલો આપવામાં આવે છે. આ તમામ વસ્તુઓ રોજિંદા જીવનમાં ઉપયોગી બની રહે છે અને જરૂરિયાતમંદ માજીઓ માટે મોટી સહાય સાબિત થાય છે.
આ સેવાયજ્ઞ પાછળ અનેક સેવાભાવી દાતાઓ અને કાર્યકરોનો નિSwાર્થી સહકાર રહેલો છે. સમીરભાઈ, તૃપ્તિબેન, વિશાલભાઈ, ભૂમિબેન, ભાવનાબેન, રેખાબેન, ફાલ્ગુનીબેન, દક્ષાબેન, દૃષ્ટિબેન, દર્શનભાઈ, નીલેશભાઈ, કેતનભાઈ, અજયભાઈ, અશ્વિનભાઈ અને દિલીપભાઈ સહિત સૌના સંયુક્ત પ્રયાસોથી આ કાર્ય સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.
આ પહેલ એક પ્રેરણાત્મક નિમિત્ત બની છે, જે અનેકના અશ્રુઓને આનંદમાં પલટાવે છે. વિધવા માજીઓ માટે આ કીટ માત્ર સામગ્રી નહીં, પરંતુ સમાજ તેમના સાથે છે તેવો વિશ્વાસ અને આત્મબળ આપે છે. માતૃ ભક્તિ સેવા મંડળનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે અને માનવતાની સુગંધ ફેલાવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT