
મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા લોકસભા બેઠકના સાંસદ હરિભાઈ પટેલની 18મી લોકસભાના કાર્યકાળ માટે ભારત અને ગ્રીસ દેશ વચ્ચેના ‘સંસદીય મૈત્રી જૂથ’ (Parliamentary Friendship Group)માં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. લોકસભા સ્પીકર દ્વારા આ નિમણૂક કરવામાં આવતા મહેસાણા જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ છે.
લોકસભા સચિવાલયની કોન્ફરન્સ અને પ્રોટોકોલ શાખાના ડાયરેક્ટર એલ. વી. રમાણા દ્વારા તા. 23 ફેબ્રુઆરી, 2026ના રોજ સત્તાવાર પત્ર જારી કરીને હરિભાઈ પટેલને આ નિમણૂક અંગે જાણ કરવામાં આવી હતી. લોકસભા સ્પીકરે હરિભાઈ પટેલને આ મહત્વપૂર્ણ જૂથમાં નામાંકિત કરતા ખુશી વ્યક્ત કરી હતી.
ભારત-ગ્રીસ સંસદીય મૈત્રી જૂથનો મુખ્ય હેતુ બંને દેશોની સંસદ વચ્ચે સહકાર, સંવાદ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ જૂથ દ્વારા સાંસદોને આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારોના આદાન-પ્રદાન અને રાજનૈતિક સંબંધોને મજબૂત કરવાની તક મળે છે.
સાંસદ હરિભાઈ પટેલની આ મહત્વપૂર્ણ સમિતિમાં નિમણૂક થતા મહેસાણા જિલ્લા માટે ગૌરવની લાગણી અનુભવાઈ રહી છે. સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ આ નિમણૂક બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR